- રાજ્યમાં સંસ્કૃત બોર્ડની રચના કરાઈ
- સંસ્કૃત શિક્ષણના નિયમન માટે બોર્ડની રચના
- સંસ્કૃત બોર્ડમાં 5 વ્યક્તિની સમિતિનું થયું ગઠન
- સંસ્કૃત ભાષાના સંવર્ધનને અપાશે અગ્રીમતા
ગીર સોમનાથઃ જિલ્લામાં સોમનાથ મંદિર નિર્માણ પામ્યું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સંસ્કૃતની સેવા કરતી સંસ્થા ઊભી કરવાનું સપનું જોયું હતું. ત્યારબાદ તાત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં સંસ્કૃત યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી. સંસ્કૃત યુનિવર્સિટી હાલ સમગ્ર રાજ્યમાં અનેક વિદ્યાપીઠ અને કોલેજોનું નિયમન કરી રહી છે.
સોમનાથના પ્રોફેસરનો સમિતિમાં કરાયો સમાવેશ બોર્ડ પોતાના માળખાની રચના કરશે
સંસ્કૃત સાહિત્ય અને અભ્યાસક્રમના આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્ર સંસ્કૃત બોર્ડ બનાવવાની જાહેરાત કરાતા સંસ્કૃત પ્રેમીઓમાં ઉત્સાહ વ્યાપ્યો હતો. સમગ્ર રાજ્યમાંથી પાંચ સંસ્કૃત વિદ્વાનોનો સમાવેશ કરનારા આ બોર્ડ પોતાના માળખાની રચના કરશે.
સંસ્કૃત માધ્યમની શાળા માટે પ્રોફેસર કતીરાએ આશાવાદ વ્યક્ત કર્યો
દેશની અંદર ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ હોઈ શકે તો આ તમામ ભાષાઓની માતા એવી સંસ્કૃત ભાષાના માધ્યમની શાળા શા માટે ના હોઈ શકે પ્રોફેસર કતીરાએ આમ કહેતા જણાવ્યું હતું કે, બોર્ડ જ્યારે ગઠન પામશે, ત્યારે આ બાબતો પર પણ વિચાર કરવામાં આવશે અને સંસ્કૃત ભાષાનો વ્યાપ રાજ્યના ખૂણેખૂણે પહોંચે તેવો બોર્ડ પ્રયત્ન કરશે. તેમજ સંસ્કૃત અભ્યાસની ગુણવત્તામાં સુધારો લાવવા બોર્ડ સક્રિય બનશે.
સંસ્કૃત ભાષા માટે આવકાર દાયક અને ઐતિહાસિક નિર્ણય
સોમનાથમાં જ નહિં પરંતુ રાજયભરમાં વસતા સંસ્કૃત પ્રેમીઓ સંસ્કૃત બોર્ડની રચનાને સંસ્કૃત ભાષા માટે આવકાર દાયક અને ઐતિહાસિક નિર્ણય ગણાવી રહ્યા છે. તેમજ નવી શિક્ષણ નીતિ સાથે આ બોર્ડની રચના સંસ્કૃત ભાષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.