- તાલાલાથી ગલીયાવડનાં રોડનું અધુરૂં કામ બે મહિનાથી બંધ, અઢી કિ.મી.નાં માર્ગ પર ચાલવું પણ કઠીન
- પાકા પેવર રોડનું કામ ચાલુ કર્યા પછી માત્ર મેટલ પાથરી કોન્ટ્રાક્ટર ગાયબ?
- હવે મેટલ પણ ઉખડવા માંડતા કામ ફરી ચાલુ નહીં થાય તો ગ્રામજનોની ઉગ્ર આંદોલનની ચીમકી
ગીર સોમનાથ : તાલાલા ગીરથી ગલીયાવડ ગીર ગામે જતો અઢી કિ.મી.નો માર્ગ પાકો પેવરથી બનાવવાનો છે, પરંતુ કોન્ટ્રાક્ટરે માર્ગ ઉપર મેટલીંગ કામ કરી બે માસથી માર્ગની કામગીરી બંધ કરી દીધી હોવાથી માર્ગ ઉપર કરેલા મેટલીંગ કામ ઉખડવા લાગતા માર્ગ ઉપરથી રાહદારીઓએ પસાર થવું કઠીન બની ગયું છે. જેથી તુરંત માર્ગ ઉપરનું પેવર કામ શરૂ કરાવવા ગામના અગ્રણી તથા ગ્રામજનોએ માંગણી કરી છે.
આ પણ વાંચો : જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે જાહેર માર્ગ પર મહિલા શિક્ષિકાની પતિએ છરીના ઘા ઝીંકી કરી હત્યા
માર્ગ ઉપરથી પસાર થવું કઠીન બની ગયું
બાંધકામ વિભાગના મુખ્ય અધિકારીઓને પાઠવેલા પત્રમાં અગ્રણીઓએ જણાવ્યું છે કે, તાલાલા ગીરથી ગલીયાવડ ગીર જતો અઢી કિ.મી. લાંબો માર્ગ પાકો પેવરથી બનાવવા એક વર્ષ પહેલા કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. જે બાદ કોન્ટ્રાક્ટરે પ્રથમ માર્ગ ઉપર મેટલીંગ કામ કર્યુ હતું. મેટલીંગ કામ પૂર્ણ થયા બાદ બે માસથી કામગીરી બંધ કરી જતા રહ્યો છે. પરીણામે માર્ગ ઉપરની મેટલ ઉખડવા લાગી હોવાથી થોડા દિવસમાં મેટલ ઉખડી જતાં માર્ગ મેટલના પથ્થરોથી ભરાઈ જતા માર્ગ ઉપરથી પસાર થવું કઠીન બની ગયું છે. જેના લીધે ગામના લોકોની સુવિધા વધવાને બદલે સમસ્યા વધી ગઈ હોવાથી ગ્રામજનો ત્રાહીમામ થઈ ગયા છે.