ગીર સોમનાથ: ધનવંતરી આરોગ્ય રથ અભિયાન દરમિયાન તાવ, ઉધરસ, શરદી જેવી નાની-મોટી બીમારી માટે ઓ.પી.ડી તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેક કરવામાં આવે છે. જેમાં જરૂરિયાતમંદોને દવાઓ પણ વિનામૂલ્યે રથના માધ્યમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ રથમાં ઓપીડી માટે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, આયુર્વેદ તબીબ સહિત અન્ય કર્મચારીઓ પણ સેવાઓ પૂરી પાડી રહ્યા છે.
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરી લોકોને ઘર આંગણે આરોગ્યની તપાસ કરી સારવાર આપવામાં આવી રહી છે.
ગીર સોમનાથ ધનવંતરી આરોગ્યરથ દ્વારા લોકો લઈ રહ્યા છે ઘર આંગણે સારવારનો લાભ - ગીર સોમનાથ ધનવંતરી આરોગ્યરથ
રાજ્ય સરકાર દ્વારા 15 મી મે થી શરૂ કરવામાં આવેલા ધનવંતરી આરોગ્ય રથ દ્વારા રાજ્યનાં કોવિડ-19 ઈફેક્ટીવ કન્ટેઈન્ટમેન્ટ ઝોન અને આજુબાજુ વસવાટ કરતાં નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર અપાઇ રહી છે.
આ ધનવંતરી આરોગ્ય રથ દ્વારા દર્દીને સેવાઓ આપતી મોબાઇલ વાન વેરાવળ શહેર અને ગામડાઓનાં વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને તેમનાં ઘરઆંગણે સેવા તો પુરી પાડે છે. સાથે સાથે રક્તચાપ, મધુપ્રમેહ, હ્રદય સંબંધી બિમારી વગેરેની પણ પ્રાથમિક સારવાર અને નિદાન રથના માધ્યમથી મળતા અત્યોદય અને છેવાડાનાં લોકોની આરોગ્ય સુખાકારીમાં લાભપ્રદ બની રહેલ છે. કોરોનાં વોરિયર્સ એવા તબીબો અને પેરામેડિકલના સેવાકર્મીઓ આમ સમાજનાં બહેનો અને ભાઇઓ, બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર આપી રહ્યા છે.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચેતન મહેતાએ કહ્યું હતું કે, સાંપ્રત સમયમાં કોરોના વાઇરસના સાવધ રહેવા અને શારીરિક વ્યાધિઓનાં નિદાન સારવાર માટે વધુમાં વધુ લોકોએ આરોગ્ય રથનો લાભ લઇ તેમનું તંદુરસ્ત આરોગ્ય રાખવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા, તાલાલા અને ઉના સહિત છ તાલુકામાં આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય રથનું પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. જેના માધ્યમથી દરરોજ બહોળી સંખ્યામાં લોકોના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી રહી છે.