બાબરીયાનું આ જંગલ સિંહ, દીપડા સહિતના પ્રાણીઓનું રહેઠાણ છે. એટલા માટે આ ગીરને 1990 માં સેન્ચુરી તરીકે જાહેર કર્યું છે. અહીં ફક્ત ડાલા મથ્થાની ડણક સંભળાય છે જે ભલભલાના હાજા ગગડાવી નાખે છે. પરંતુ આ મધ્ય ગીરમાં બિરાજે છે દેવોના દેવ મહાદેવ. આ મહાદેવ અહીં પાતાળેશ્વર નામે બિરાજમાન છે. કહેવાય છે કે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા એ પણ ભાગ્યની વાત છે.
જાણો ગીરની મધ્યમાં બિરાજતા પાતાળેશ્વર મહાદેવનો મહિમા - Mahadev
ગીર: જીવ અને શિવનું મિલન એટલે શિવરાત્રી. મહાશિવરાત્રીનો દિવસ શિવ ભક્તો માટે સૌથી મોટો દિવસ ગણાય છે. ગીર સોમનાથ જિલ્લાના બાબરીયા ગીર વિસ્તારમાં એક નેશનલ પાર્ક આવેલું છે. આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન હોવાના કારણે સામાન્ય નાગરિક માટે પ્રવેશ બંધ છે.
મધ્યગીરે આવેલા આ પાતાળેશ્વર મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં જોવા મળે છે. પતંજલિ ઋષિના સમયે પણ આ મંદિર હાલની જગ્યા એ જ હતું અને આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું છે. તો એવું પણ કહેવાય છે કે હજારો વર્ષો પહેલા પાંડવોએ પોતાના વનવાસ દરમ્યાન 7 વર્ષ અને 4 મહિના ગીરના જંગલમાં વસવાટ કર્યો હતો. ભીમને વ્રત હતું કે તેઓ શિવજીનાં દર્શન અને પૂજા કર્યા સિવાય ભોજન લેતા નહીં. જેથી પાંડવોએ ગીરમાં પ્રાચીન શિવાલયો શોધ્યા હતા. રુધિરેશ્વર,બાણેશ્વર,ભીમચાસ, ભીમદેવળ,કુશેશ્વસર,બથેશ્વર સહીતના આ પાતાળેશ્વર મહાદેવ મંદિરની પૂજા પાઠ પાંડવો કરતા હતા.
પાતાળેશ્વર મહાદેવ મંદિર મધ્યગીરમાં અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલું હોવાના કારણે સામાન્ય લોકોને અહીં જવા પર પ્રતિબંધ છે. જો કે શિવ ભક્તોની શ્રધ્ધાને લઇ ગુજરાત વન વિભાગ અહીં શિવરાત્રીનાં પાંચ દિવસ અને શ્રાવણ માસનો એક મહિનો સામાન્ય લોકો અને શ્રદ્ધાળુઓને દર્શન અર્થે ગીરના દરવાજા ખુલ્લા મૂકે છે. ગુજરાત અને દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવરાત્રી અને શ્રાવણ માસમાં અહીં ઉમટે છે. તો કહેવાય છે કે પાતાળેશ્વર મહાદેવનાં દર્શન કરનારને મન વાંછિત ફળ મળે છે. ગીરમાં શ્રદ્ધાળુઓને પ્રસાદી રૂપે ભોજન પણ આપવામાં આવે છે. વર્ષ દરમિયાન સામાન્ય લોકો માટે અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે વન વિભાગ દ્વારા આ શિવાલયની જાળવણી કરવામાં આવે છે. કહેવાય છે કે આ શિવાલય સાથે માલધારીઓની મોટી આસ્થા જોડાયેલી છે.