- વર્ષ 2020માં 1,066 કીસ્સાઓમાં મહિલાઓએ 181 સેવાની મદદ લીધી હતી
- મહિલા અને બાળ વિકાસ ગૃહ વિભાગે રાજ્યમાં 8 માર્ચ 2015માં શરુ કરી હતી સેવા
- રેસ્ક્યુ વાન સાથે ઘટના સ્થળ પર પહોંચી 533 કીસ્સામાં મદદ આપી
ગીર સોમનાથ: મહિલાઓ સાથે થતી ઘરેલું સહીતની જુદી જુદી હિંસાના કિસ્સાઓમાં તાત્કાલીક ધોરણે બચાવ અને માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપતી 181 હેલ્પ લાઇનની આવશ્યકતા જણાતાં રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ ગૃહ વિભાગે રાજ્યમાં 8 માર્ચ 2015 આંતરરાષ્ટ્રીય મહિલા દિનના રોજ 181 મહિલા હેલ્પ લાઇન સેવા શરૂ કરી હતી.
કેટલીય મહિલાઓને વિકટ પરિસ્થિતીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે
કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતીમાં લોકડાઉન દરમ્યાન પણ આ સેવાના મહિલા કર્મચારીઓએ પોતાના ઘર પરીવારની ચિંતા કર્યા વગર ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી. રાજ્યવ્યાપી વિસ્તાર બાદ માત્ર છ વર્ષના સમયગાળામાં રાજયમાં 8,25,081 કરતા વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. 1,66,359 કરતા વધારે મહિલાઓને સેવાના સ્ટાફે મદદ પહોંચાડી છે. જેમાં 1,15,908 જેટલા કિસ્સામાં સ્થળ પર જ સમાધાન કરી કેસનો નિકાલ કરાવ્યો છે. 50,451 જેટલી મહિલાઓને ગંભીર પ્રકારની સમસ્યા જણાતાં સ્થળ પરથી રેસ્ક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સિલિંગ, આશ્રય તેમજ અન્ય મદદ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવાની કામગીરી કરાઈ છે.