આજના દિવસે 6 જેટલી ગાયોને દત્તક લેવાનો શિવભક્તોએ કર્યો નિર્ધાર
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગાયના વિશેષ પૂજન
દર વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગાયની પૂજા સાથે સંક્રાંતનું પર્વ ઉજવાય રહ્યું છે
ગીર સોમનાથઃ આજે મકર સંક્રાંતિનો પાવન પર્વ છે. આજના દિવસે ગાયનું વિશેષ સેવા અને તેનું પૂજન કરવાની ધાર્મિક પરંપરા આદિ-અનાદી કાળથી જોવા મળે છે, ત્યારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે ગુરુવારે ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજના દિવસે શિવભક્તોએ 6 જેટલી ગાયોને દત્તક લઈને પૂજાનું વિશેષ મહત્વ સમજી આજના મકરસંક્રાંતિના પાવન પર્વની ગાયની સેવાઓ સાથે ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો હતો.
ઉત્તરાયણના પર્વે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગૌપૂજન કરાયું મકર સંક્રાંતિનું પાવન પર્વ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ધાર્મિક આસ્થા સાથે ઉજવાયું
આજે ગુરુવારે મકર સંક્રાંતિનો પાવન પર્વ છે. વર્ષોથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મકર સંક્રાંતિનું પર્વ ગાયના વિશેષ પૂજન અને અર્ચન સાથે કરાતુ આવ્યું છે. જે પરંપરા આજે વર્ષો બાદ પણ જોવા મળી રહી છે. આજે ગુરુવારે સોમનાથ મંદિરના પંડિતો દ્વારા ધાર્મિક સ્લોક અને વિધિવિધાન સાથે ગાયના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે સોમનાથ મહાદેવનું વાતાવરણ ધાર્મિકતા સાથે પ્રકૃતિ સભર પણ બન્યું હતું વર્ષોથી સોમનાથ મહાદેવમાં ગાયના પૂજન અને તેના મહત્વને લઈને અનેક વિધ કાર્યક્રમોનું આયોજન પણ સમયાંતરે કરવામા આવે છે. જેના ભાગરૂપે આજે ગુરુવારે સંક્રાંતિના પાવન પર્વે ગાય માતાનું પૂજન કરીને મકર સંક્રાંતિની ધાર્મિક સાથે ઉજવણી કરાઇ રહી છે.
6 શિવભક્તોએ એક વર્ષ માટે ગાયને લીધી દત્તક
આજે ગુરુવારે સંક્રાંતના પર્વે નિમિતે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તોએ ગાયને દત્તક લેવાની સાથે આખા વર્ષ દરમિયાન તેમની દેખભાળ અને સાર સંભાળ રાખવાનો પાવન અવસર પૂરો પાડવામાં આવ્યો હતો. જેને 6 શિવભક્તોએ ગ્રહણ કરીને એક વર્ષ માટે ગાયના રખરખાવ અને તેની દેખભાળ થાય તે માટે તેને દત્તક લેવાનો નિર્ધાર પણ કર્યો હતો. આજે ગુરુવારે સમગ્ર દિવસ દરમિયાન સંક્રાંતના પાવન પર્વે સોમનાથ મહાદેવને તલના શણગારની સાથે વિશેષ આરતીનું પણ આયોજન કરાઇ રહ્યું છે. જેના દર્શન કરીને શિવભક્તો પોતાની જાતને ધન્ય માની રહ્યા છે.