- નીલગાયે ઘંઉનો પાક નિષ્ફળ કર્યો
- ખેડૂતોને આવ્યો રોવાનો વારો
- 40 નીલગાય આવી ખેતરમાં
ગીર સોમનાથઃ જિલ્લાના કોડીનાર તાલુકાના કડોદરા ગામના વાડી વિસ્તારોમાં ખેતીની જમીનો ઘરાવતા ખેડૂતો હાલ રાતા પાણીએ રડી રહ્યા છે. કારણ કે, ગત 3 મહિના દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઘઉંનો પાકની વાવણી અને માવજત કરી હતી, પરંતુ હવે આગામી થોડા દિવસોમાં આ ઘઉંના પાકને લણવાનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે આવા સમયે અચાનક એક જ રાતમાં ખેડૂતોના સપનાઓ રોળાઈ ગયા છે. કારણ કે, તાજેતરમાં રાત્રિના સમયે 40 નીલગાયોનું એક ટોળું ખેતરોમાં આવી ચડી આતંક મચાવી ઘઉંના પાકને મોટાપ્રમાણમાં નુકસાન કર્યું છે.
કોડીનાર પંથકમાં ઘંઉનો પાક નીલગાયે બર્બાદ કર્યો ઘઉંના ઉભા પાકને નુકસાન
આ અંગે ખેડૂત જીતુ વાળાએ જણાવ્યું કે, કડોદરા અને આસપાસના ગામોના ખેડૂતોના ઘઉંના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. દરરોજ આ વિસ્તારના જે જે ખેતરોમાંથી નીલગાય પસાર થાય ત્યાં ત્યાં ખેડૂતોના ઘઉંના પાકને તહસ નહસ કરી નાંખે છે. અત્યાર સુઘી ખેડૂતોને સિંહ અને દીપડાઓની રંજાડ હતી. જેથી સરકારે દિવસે વીજળી આપી ખેડૂતોને ચોક્કસથી રાહત આપી, પરંતુ હવે ખેડૂતોની ઊંધ નીલગાય અને રોઝ હરામ કરી રહ્યાં છે.
વળતર ચુકવવા માગ
વઘુમાં અન્ય ખેડૂતોએ જણાવ્યું કે, સિંહ-દિપડા મોતને ભેટે તો ખેડૂતોને સજા મળે છે, પરંતુ અમારો પાક વારંવાર આવી રીતે તહસ નહસ થાય છે. જેની કોઈ જવાબદારી લેતું નથી કે કોઇ વળતર ચૂકવતું નથી, ત્યારે આ નુકસાન બાબતે સરકાર વળતર ચુકવે અને જંગલી પ્રાણીઓને કાબુ કરવાની કામગીરી કરાવે તેવી અમારી માંગણી છે.