ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં કરોડો રૂપિયાની માતબર રકમે બનાવાયેલી આધુનિક સિવિલ હોસ્પિટલમાં ઘણાં સમયથી એક્સ-રે મશીન બંધ હાલતમાં છે. જેનો સરકારી તંત્ર દ્વારા કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી.
ગીર સોમનાથની સિવિલ હોસ્પિટલના એક્સ-રે મશીનનો મુદ્દો ધારાસભ્યએ વિધાનસભામાં ગજવ્યો - વિમલ ચુડાસમા
ગીર સોમનાથઃ જિલ્લાના વેરાવળમાં આવેલી સરકારી હોસ્પિટલમાં ઘણા સમયથી એક્સ-રે મશીન બંધ હાલતમાં હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ મુદ્દાને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં ગજવ્યો છે.
![ગીર સોમનાથની સિવિલ હોસ્પિટલના એક્સ-રે મશીનનો મુદ્દો ધારાસભ્યએ વિધાનસભામાં ગજવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3943219-628-3943219-1564058092380.jpg)
અહીં સ્થાનિકો સહિત સોમનાથના દર્શને આવતા પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે, કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય ત્યારે તેને પહેલા સરકારી હોસ્પિટલની બદલે ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે કરાવવા જવું પડે છે. જેમાં વ્યક્તિને સમય, સુવિધા અને પૈસાની બરબાદી થાય છે. આ હોસ્પિટલ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની સૌથી મોટી અને અધ્યતન સરકાર દ્વારા બનાવાયેલી છે.
આ હોસ્પિટલમાં ગરીબથી માંડી મધ્યમ વર્ગના લોકોના તમામ ગ્રામ્ય અને શહેરીજનો આ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં હોય છે. આ સંદર્ભે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભા સત્રમાં સરકાર તેમજ આરોગ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરી છે. તેમજ ગીર-સોમનાથની હોસ્પિટલને નવું ડિઝિટલ અથવા જુનું એક્સરે મશીન રીપેર કરી આપવા માટે માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી આ સમસ્યાનું સમાધાન ન આવતાં અંતે ધારાસભ્યએ વિધાનસભામાં આ મુદ્દો ગજવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં આ અંગે પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.