વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાને લઈને વલસાડ જિલ્લામાં મજૂરી કામે આવેલા કે કોઈ અન્ય મેડિકલ સારવાર અર્થે મુંબઈ કે સૂરત સુધી જનારા વર્ગને ઓનલાઇન કામગીરીમાં કોઈ સમજણ નહીંં પડતા તેમજ અધિકારીઓ સંતોષકારક જવાબ નહીં આપતા હોવાથી આજે સંયમ ગુમાવી બેસેલા કેટલાક લોકોનું ટોળું કલેકટર કચેરીની બહાર ઉમટી પડતા પોલીસ દોડતી થઈ હતી.
ગુજરાત સરકારે હાલમાં જ જે તે જિલ્લામાં કામ અર્થે ગયેલા કે લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકો પોતાના ઘરે આંતર રાજ્ય કે આંતર જિલ્લામાં પ્રવેશ કરી શકે એ માટે જેતે તાલુકાના મામલતદારને તેમજ ઓનલાઇન પોતાની વિગતો જમા કરાવી પાસ મેળવવાની જાહેરાત કરી હતી. પરંતુ સ્થિતિ એવી છે કે મજૂર વર્ગ જે અહીં મજૂરી કામ અર્થે આવ્યો હતો તેઓને ઓનલાઇન ફોર્મ જમા કરવા બાબતે કોઈ ગતગમ પડતી નથી. જ્યારે મામલતદાર કચેરી કે અન્ય સ્થળે તે જાણકારી માટે પહોંચે તો તેઓને કોઈ પણ કર્મચારીઓ સંતોષકારક જવાબ આપવા રાજી નથી હોતા.