- અરણેજ ગામે લગ્નમાં ફાયરિંગ કરી સીન જમાવવા જતા રાજકોટના શખ્સને પડ્યું ભારે
- પોલીસે આર્મસ એકટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
- શખ્સ પાસે હથિયાર પરવાનાનું લાયસન્સ ન હોવાનું તપાસમાં સામે આવ્યું
ગીર સોમનાથ : જિલ્લામાં એક લગ્ન પ્રસંગના વરઘોડામાં હવામાં ફાયરિંગ થતો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જે અંગે પોલીસે તપાસમાં જિલ્લાના કોડીનાર તાલુકાના અરણેજ ગામના લગ્ન પ્રસંગના વરઘોડામાં રાજકોટના શખ્સે લાયસન્સ વગરના હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. જેના આઘારે પોલીસે રાજકોટના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અરણેજ ગામે યોજાયેલા લગ્નમાં રાજકોટના શખ્સે હવામાં કર્યું ફાયરિંગ
સોશિયલ મીડિયામાં લગ્ન પ્રસંગના વરઘોડામાં હવામાં ફાયરિંગ કરાતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. તે વીડિયો ગીર સોમનાથ જિલ્લાનો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જેના આઘારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ચોકાવનારી હકકીતો સામે આવતા કોડીનાર પોલીસે ગુનો નોંધ્યો હતો. જે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 26 જાન્યુઆરીના રોજ જિલ્લાના કોડીનાર તાલુકાના અરણેજ ગામના મયુર ઉર્ફે મનોહરસિંહ માનસિંહ સોલંકીના લગ્ન પ્રસંગમાં જાહેરમાં રાજકોટનો રહેવાસી ભરત ઉર્ફે ભુરા નારણભાઇ સોસોએ હવામાં રાઉન્ડ ફાયર કર્યું હતું. તેમની પાસે હથિયાર પરવાનાનું લાયસન્સ ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.