- એક પણ સિંહનું મોત કે ગુમ થયો હોય તેવી ઘટના વાવાઝોડાના સમય દરમિયાન સામે આવી નથી
- રાજ્ય સરકારના સચિવ રાજીવકુમાર ગુપ્તાએ એકી સાથે 10 સિંહો સાથેનો વિડીયો ટ્વીટ કર્યો
- સૌરાષ્ટ્રના માંગરોળથી લઈને તળાજા સુધીના દરિયાઈ વિસ્તારોમાં ગીરના સિંહ જોવા મળે છે
ગીર-સોમનાથઃ વાવાઝોડાના સમય દરમિયાન માંગરોળથી લઈને તળાજા સુધીના વિસ્તારમાં 18 સિંહ ગુમ થયાના સમાચારો માધ્યમોમાં ચાલી રહ્યા હતા. ત્યારે તૌકતે વાવાઝોડા બાદ ગીર જંગલના રાજા સિંહો સલામત હોવાની વન વિભાગએ સ્પષ્ટતા કરી હતી. ત્યારબાદ આજે રાજ્ય સરકારના સચિવ રાજીવકુમાર ગુપ્તાએ ગીર જંગલના આકોલવાડી ગીર વિસ્તારમાં એકી સાથે 10 સિંહો રસ્તો ઓળંગતા હોય તેવા દ્રશ્યો વન વિભાગના સ્ટાફે મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા, તે વિડીયો ટ્વીટ કર્યો છે.
આ પણ વાંચોઃનાહરગઢ બાયોલોજીકલ પાર્કમાં કોરોના સંક્રમણનો પગપેસારો, એશિયાઇ સિંહ ત્રિપુર થયો કોરોના સંક્રમિત
આ દ્રશ્યો તૌકતે વાવાઝોડા બાદ સિંહો સલામત હોવાની વાતની પુષ્ટી આપી રહ્યા છે
ગીર જંગલના આકોલવાડી ગીરનો દુર્લભ વિડિયો કેદ થયો છે. જેમાં 10 જેટલા સિંહો એક સાથે નજરે પડે છે. તૌકતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, ત્યારે પુલ પરથી પાણી વહેતું જાય છે અને 10 સિંહ તેની મસ્તીમાં પસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો વનકર્મીએ કેમેરામાં કેદ કર્યા છે. આ દ્રશ્યો તૌકતે વાવાઝોડા બાદ સિંહો સલામત હોવાની વાતની પુષ્ટી આપી રહ્યા છે.