ગીર સોમનાથ: આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે હરિ અને હરની ભૂમિ એવા પ્રભાસ તીર્થક્ષેત્ર સાથે ભગવાન શ્રીકૃષ્ણનો ગાઢ સંબંધ જોવા મળે છે. પવિત્ર ભાલકાતીર્થ ક્ષેત્રમાં જન્માષ્ટમીની ઉજવણી શરૂ થઈ છે. સનાતન ધર્મની લોક વાયકા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારિકા બાદ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં ગૌલોક ધામ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેથી આ પવિત્ર ભૂમિ પર કૃષ્ણ જન્મોત્સવને લઈને ઉજવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
Janmashtami 2023: શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમિ ભાલકા તીર્થમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શરૂ - કૃષ્ણ જન્મોત્સવ
આજે જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે હરિ અને હરની ભૂમિ એવા પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા ભાલકાતીર્થ ક્ષેત્રમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શરૂ થઈ છે. લોકો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
Published : Sep 7, 2023, 4:10 PM IST
ભાલકાતીર્થ ક્ષેત્ર સાથે કૃષ્ણનું જોડાણ:મહાભારતના યુદ્ધ બાદ ગાંધારી દ્વારા શ્રાપિત બનેલા યાદવ વંશને લઈને શ્રીકૃષ્ણ દ્વારિકા અને ત્યારબાદ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સ્થાયી થયા હતા. ત્યારે જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણને શિકાર સમજીને તેમના પર તીર છોડ્યું હતું. જે તીર શ્રીકૃષ્ણના પગના અંગૂઠાને વીંધીને પાર થયું જેને કારણે શ્રીકૃષ્ણએ અહીંથી પરલોક ગમન પ્રાપ્ત કર્યો. તેથી ભાલકાતીર્થ ક્ષેત્રને ભગવાન શ્રીકૃષ્ણના પરલોક ગમનના સ્થાન તરીકે પણ આજે પૂજવામાં આવે છે. જે રીતે જરા નામના પારધીએ ભગવાન શ્રી કૃષ્ણ પર તીર વડે પ્રહાર કર્યો હતો તે મુદ્રાના દર્શન ભાલકા તીર્થ ક્ષેત્રમાં જોવા મળે છે. જેના દર્શન કરીને શ્રી હરિના ભક્તો ભારે ધન્યતા અનુભવે છે.
હરિના ભક્તોમાં થનગનાટ: આજે પણ ભાલકા તીર્થ ક્ષેત્ર તરીકે સનાતન ધર્મમાં પૂજવામાં આવે છે. ત્યારે આજે જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણદેહોત્સર્ગ ભૂમિમાં પણ શ્રી હરિકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. શ્રી હરિના ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રી હરિના ભક્તો શ્રી કૃષ્ણ જન્મોત્સવને ઉજવી રહ્યા છે.