ગીર સોમનાથ :ગુજરાતમાં મેઘરાજાએ એક રાઉન્ડ પૂર્ણ કરી લીધો છે. હવામાન વિભાગ અને આગાહીકારો આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ ગતરાત્રીથી વરસાદી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગીર પંથકમાં સૌથી વિશેષ વરસાદ પડ્યો છે. કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે કોડીનાર શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોમાં વરસાદી પાણીનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે.
Gir Somnath Monsoon Update : કોડીનાર પંથક થયો પાણી-પાણી, બે કલાકમાં 4 ઇંચ વરસાદ - Meteorological Department
ફરી એક વખત ગીર પંથકમાં વરસાદી વાતાવરણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. કોડીનારમાં આજે અત્યાર સુધી ધોધમાર 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને કારણે સમગ્ર કોડીનાર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળે છે. ધોધમાર પડેલા વરસાદને કારણે ગામડાના માર્ગો બંધ થયા છે.
કોડીનાર જળબંબાકાર :કોડીનાર તાલુકામાં ત્રણ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડ્યો છે. કોડીનારથી ઉના જતા માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા હતા. જેને કારણે વાહનચાલકોને કેટલીક અગવડનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ સૌથી વધારે મુશ્કેલી ગ્રામ્ય પંથકના ખેડૂતોને સામે ઊભી થઈ છે. ધોધમાર પડેલા વરસાદને કારણે ગામડાના માર્ગો બંધ થયા છે. ખાસ કરીને ખેતરો વરસાદી પાણીથી જળબંબાકાર બની રહ્યા છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને જોતા હજુ આ પ્રકારે વરસાદ પડે તો કોડીનાર શહેરની સાથે આસપાસના ગામડાઓમાં વરસાદી પાણી કોઈ મુશ્કેલી ભરી પરિસ્થિતિનું સર્જન પણ કરી શકે છે.
સાર્વત્રિક વરસાદ :જુનાગઢ શહેર અને જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જુનાગઢ શહેરમાં અટકી અટકીને ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તો અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. પરંતુ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ નોંધાયો નથી. વરસાદની આગાહી મુજબ આગામી બે ત્રણ દિવસમાં જુનાગઢ શહેરની સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ થવાની શક્યતા છે.