ગીરસોમનાથ: કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સિઝન શરૂ થતાં જ પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે, પ્રતિદિન 4 થી 6 હજાર બોરી મગફળી ખરીદી-વેચાણ માટે આવતી હોવાથી યાર્ડમાં મગફળીથી યાર્ડ હાઉસફુલ થઈ ગયો છે. પ્રતિદિન 4 હજારની બોરી રાખવાની ક્ષમતા ઘરાવતા આ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં 10 હજાર કરતાં વધુ મગફળીની બોરીની આવક થતાં યાર્ડમાં નવી મગફળી માટે જગ્યા ખુટી પડી છે. તેથી 4 નવેમ્બર શનિવારના રોજ સવારે 6 વાગ્યા સુધી ખેડૂતોને કોઈ પણ પ્રકારની મગફળી ખરીદ-વેચાણ માટે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં નહીં લાવવાની વિનંતી કરવામાં આવી છે, જોકે, 4 નવેમ્બર સવારે 6 વાગ્યા બાદ ફરી એક વખત ખેડૂતોને મગફળી સાથે જાહેર હરાજીમાં હાજર રહેવા યાર્ડ દ્વારા જણાવાયું છે.
ટેકાના ભાવથી પણ વધુ ભાવ: કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિન જી 20 અને જી 32 જાતની મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે, પરંતુ જી-32 જાતની મગફળીની લેવાલી ઓછી જોવા મળી રહી છે, જેના કારણે તેના બજાર ભાવોમાં પણ થોડો ફરક નોંધાયો છે. તો બીજી તરફ જી-20 મગફળીની લેવાલી ખૂબ જોવા મળી રહી છે . જેના કારણે પ્રતિ 20 કિલો મગફળીના હાલના દિવસોમાં ખેડૂતોને 1,349 રૂપિયા મળ્યા છે, જે ટેકાના ભાવ કરતાં 200 રૂપિયા કરતા પણ વધુ જોવા મળે છે. આ વર્ષે એક વીઘામાં 800 કિલો મગફળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જે ગત વર્ષ કરતા બમણું જોવા મળે છે. ગત વર્ષે એક વીઘામાં 500 થી 600 કિલો મગફળીનું ઉત્પાદન ખેડૂતોએ મેળવ્યું હતું. ત્યારે આ વર્ષે ઉત્પાદનમાં બમણા વધારાની સાથે બજાર ભાવો પણ સારા મળતા ખેડૂતોની દિવાળી સુધરી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.