ગીર સોમનાથ : કરોડો લોકોની આસ્થાના પ્રતિક અને બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મંદિર પ્રત્યે લોકોને અનન્ય શ્રદ્ધા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ પણ દેશના સૌથી પ્રભાવશાળી લોકોનું બનેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી તેમજ કેશું પટેલ જેવા દિગ્ગજો સોમનાથ ટ્રસ્ટને દિવસેને દિવસે પ્રગતિના પથ પર અગ્રેસર કરી રહ્યા છે. બુધવારે સોમનાથ ટ્રસ્ટની ડિજિટલ બેઠક મળી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં શું વિશેષ ચર્ચા થઈ જાણો ETV BHARATના ખાસ અહેવાલમાં...
સોમનાથ મંદિરમના ટ્રસ્ટની ડિજિટલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આવક અને વિસ્તાર
શ્રી સોમનાથ ટ્રસ્ટને વર્ષ 2019-20માં રૂપિયા 46.29 કરોડ આવક થઈ હતી. જેમાંથી રૂપિયા 35. 8 કરોડનો ખર્ચ થયો હતો. આ સાથે સોમનાથ ટ્રસ્ટની અસકયામતો રૂપિયા 249.37 કરોડ હતી. જે વર્ષ 2019-20માં રૂપિયા 321.09 કરોડ થઈ હતી. જેની એન્યુઅલ ઓડિટ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળને રજૂ કરવામાં આવી હતી.
વડાપ્રધાનના સૂચન
આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીકૃષ્ણ નીજધામ ગમન ભૂમિ ગોલોકધામના વિકાસ બાબતે પોતાના સૂચન આપ્યા હતા. જેમાં તેમને દ્વાપરમાંથી કળિયુગમાં થયેલા પરિવર્તન તેમજ ભારતીય કાળગણના વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સભર વિકાસલક્ષી પ્રોજેક્ટ તૈયાર કરવા ટ્રસ્ટને સૂચન કર્યું હતું.
જાણો દેશના સૌથી પ્રભાવશાળી સોમનાથ ટ્રસ્ટની મિટિંગની તમામ માહિતી આ સાથે કોરોના કાળમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ ટ્રસ્ટી મંડળે સમીક્ષા કરી હતી. જેમાં 2.62 કરોડના કોરોના રાહત ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ સાથે જ કર્મચારીઓ આસપાસના લોકો બહારથી આવેલા શ્રદ્ધાળુઓ અને શ્રમિકો માટે કરવામાં આવેલા ફૂડ પેકેટ રાશન અને રહેઠાણની વ્યવસ્થા તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના લીલાવતી ભવનને કોરોના શરૂ થયાથી અત્યાર સુધી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગને નિશુલ્ક આપવામાં આવ્યું છે, તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા 1 કરોડની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવી હતી, જેની પણ ટ્રસ્ટ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
ઘણા લાંબા સમયથી શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહેલા કેશુ પટેલને ઔપચારિક ધોરણે સર્વ સંમતિથી ફરીથી અધ્યક્ષ પદે આરૂઢ કરવામાં આવ્યા હતા. ત્યારે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભવિષ્યલક્ષી ચર્ચાઓ પણ થયાનું અનુમાન છે. જ્યારે વડાપ્રધાન અને ગ્રહ પ્રધાન ટ્રસ્ટી હોય, ત્યારે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ટ્રસ્ટને પૂરતી ગ્રાન્ટ મળી રહી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં વધુ ઉત્તરોત્તર વિકાસનું સાક્ષી બને તો નવાઈ નથી.