ગીરસોમનાથનાં દ્રોણેશ્વર મહાદેવના મંદિરમાં મહાદેવ પર સતત જળાભિષેક થાય છે. શિવનાં વાહક નંદીના મુખમાંથી એમના પર અવિરત રીતે જળાભિષેક થાય છે. આ અભિષેકનાં પાણીને ભગવાનનો પ્રસાદ માની તેનાથી ભક્તજનો સ્નાન કરે છે અને ચરણાંમૃત લે છે. અનોખા નંદીના મુખમાંથી મહાદેવ પર થતા અભિષેકના દર્શન કરી શ્રાવણ માસમાં ભક્તો ભક્તીનું ભાથું ભરે છે. દ્રોણેશ્વર મહાદેવના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ મહાદેવનાં આ સ્થાનકને દિવ્ય માને છે.
ગીરગઢડા તાલુકાનાં 6500 વર્ષ પ્રાચીન દ્રોણેશ્વર મહાદેવનાં મંદિરનો મહિમા....
ગીરસોમનાથ: શ્રાવણ માસ એટલે શિવ ભક્તિોની આસ. ગીરગઢડા તાલુકામાં પ્રકૃતિનાં ખોળે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી અહીં દ્રોણેશ્વર મહાદેવનાં દર્શન અર્થે ભક્તોની ભીડ જામી છે. દ્રોણેશ્વર મહાદેવ પર સતત જળાભિષેક થાય છે, કેવી રીતે થાય છે આ જળાભિષેક, વાંચો સંપૂર્ણ અહેવાલ...
કુદરત દ્વારા મહાદેવ પર થતી ધારાને જોઈ આવનાર ભક્તો મહાદેવની સાક્ષાત અનુભૂતિ કરતા હોય તેવી લાગણી વ્યક્ત કરે છે. આ સાથે જ આસપાસનું કુદરતી આહ્લાદક વાતાવરણ યાત્રાળુઓને સ્વર્ગ જેવી દિવ્ય અનુભૂતિ કરાવતું હોવાની લાગણી યાત્રિકો વ્યકત કરે છે. આમ દ્રોણેશ્વર મહાદેવનાં દર્શન કરી પોતાના જીવનું શિવ સ્વરૂપમાં મિલન થવાની લાગણી અનુભવી શિવભક્તો અનેરી આસ્થા વ્યક્ત કરે છે. મંદિરના મહંત પ્રવિણ ગીરીના કહેવા અનુસાર આ મંદિરનો સ્કંદપુરાણનાં પ્રભાસ ખંડમાં રતનેશ્વર મહાદેવ નામથી ઉલ્લેખ છે. વનવાસ કાળમાં આ મંદિરને પાંડવોએ ગુરુ દ્રોણાચાર્યના સન્માનમાં દ્રોણેશ્વર નામ આપેલ હતું અને આ મંદિર અંદાજે 6500 વર્ષ જૂનું માનવામાં આવે છે.