- ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા બદલાયા
- ઈન્ચાર્જ એસપી ઓમપ્રકાશ જાટ પાસેથી રાતોરાત ચાર્જ છીનવાયો
- માફિયાઓ સામે કાર્યવાહી કરવાના કારણે ચાર્જ લઇ લેવાયો?
સોમનાથઃ કાર્યવાહક એસપીએ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કરેલી આકરી કાર્યવાહી બાદ તેમને એસપીના ચાર્જ પદેથી હટાવ્યાં હોવાની ચર્ચા છે. એસપીને દૂર કરાતા ખનીજ માફિયાઓની પકડ રાજ્ય સરકાર સુધી ખૂબ જ મજબૂત હોવાનું સામે આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને ગીર સોમનાથ જિલ્લાનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગત રાત્રિના સમયે રાજ્યના ગૃહવિભાગે આદેશ કરીને તેમને ગીર સોમનાથ જિલ્લાના એસપી તરીકે તેમની ફરજ ઉપરાંતની વધારાની ફરજ બજાવવાનો આદેશ કર્યો છે. બે દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ઇકો સેન્સેટીવ ઝોનમાં આવેલી દસ કરતાં વધુ પથ્થરની ગેરકાયદેસર ખાણો સુધી ઇન્ચાર્જ એસ.પી ઓમ પ્રકાશ જાટ પહોંચી ગયા હતા અને તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી ત્યારે રાતોરાત તેમની પાસેથી જિલ્લા પોલીસ વડાનો ચાર્જ પરત લઇ લેવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લો ગેરકાયદે ખનનને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં છે કુખ્યાત
ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજચોરી વર્ષોથી થતી આવે છે. આમ છતાં આ ખનન માફિયાઓ વિરુદ્ધ આજદિન સુધી કોઈ પણ રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા હોય તેવું લાગતું નથી. જેને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખનન માફિયા ફૂલ્યાંફાલ્યાં જોવા મળી રહ્યા છે, ત્યારે થોડા સમય અગાઉ કોડીનારના એક આરટીઆઇ એક્ટિવિસ્ટે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાને ખનન ચોરીને લઈને ફરિયાદ કરી હતી. જેને ધ્યાને રાખતા જિલ્લા પોલીસ વડાએ જાત તપાસ કરતાં આ વિસ્તારમાં ગેરકાયદે ખનન ચોરી થઈ રહી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ તેમને જણાવ્યું હતું. ત્યારબાદ બુધવારની રાત્રિના સમયે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ બાઈક મારફતે તેમના વિશ્વાસુ અને સમગ્ર ઓપરેશનને લઈને માહિતી લીક ન કરે તેવા પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે ગેરકાયદે ખાણો પર ત્રાટક્યાં હતાં અને દસ કરતાં વધુ ગેરકાયદે ખાણોની સાથે તેમાંથી ખનીજ ચોરી કરવાના કરોડોના સાધનો જપ્ત કરીને ખાણ ખનીજ વિભાગને ધોરણસરની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.