ગીર સોમનાથ : જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ નિરીક્ષણ માટે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. આવા સમયે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે હિરણ નદીને પહોળી અને ઊંડી કરવાની માંગ મુખ્યપ્રધાન સાથે કરવાની વાત કરી છે. બે દિવસ પહેલા સુત્રાપાડા અને વેરાવળમાં હિરણ નદીના પૂરનું પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું હતું. જેને કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાન માલના કોઈ મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકોના 12 મહિનાનું અનાજ અને પશુધનના મોતના સમાચાર મળ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહેલા વેરાવળ અને સુત્રાપાડાના ગામોને સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે તે માટેની રજૂઆત આજે મુખ્યપ્રધાનને ભગવાન બારડ કરવા જઈ રહ્યા છે.
વર્ષ 2019માં કરી હતી રજૂઆત :ભગવાન બારડે વર્ષ 2019માં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે તાલાલા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, ત્યારે તેમના દ્વારા રાજ્યના સિંચાઇ વિભાગને હિરણ નદી પહોળી અને ઊંડી કરવાને લઈને રજૂઆત કરી હતી. જેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા 11.5 કિલોમીટરના વિસ્તારની નદીને પહોળી અને ઊંડી કરવાને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર કામ હજુ સુધી શરૂ થયું નથી. જેને કારણે લોકોને ફરી એક વખત પૂરના પાણીમાંથી પસાર થવાનો સમય આવ્યો છે, ત્યારે આજે હવાઈ નિરીક્ષણ માટે આવી રહેલા મુખ્યપ્રધાનને વર્ષ 2019માં મંજૂરી મળેલી હિરણ નદીને ઊંડી ઉતારવાની યોજના તાકિદે શરૂ થાય તેવી માંગ તેઓ કરવા જઈ રહ્યા છે.