ગીર સોમનાથ :છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના 654 કરતાં વધુ માછીમાર કેદીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. આગામી 13 મી મેના દિવસે પાકિસ્તાન સરકાર દ્વારા ત્યાંની જેલમાં બંધ ભારતના 654 પૈકી પ્રથમ તબક્કામાં 200 જેટલા માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારબાદ બીજા તબક્કામાં વધુ 300 જેટલા માછીમારોને પાકિસ્તાનની સરકાર મુક્ત કરશે, ત્યારબાદ ત્યાંની જેલમાં ભારતના 154 જેટલા માછીમાર કેદીઓ હજુ પણ પાકિસ્તાન સરકારની પકડમાં રહેશે. પરંતુ જે રીતે 200 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાની સરકાર દ્વારા કરાયો છે. તેને લઈને ભારતીય માછીમારોના પરિવારોમાં પાંચ વર્ષ બાદ ફરી એક વખત ખુશીના સમાચાર જોવા મળે છે.
ભારતીય માછીમારોનું પાકિસ્તાન કરે છે અપહરણ :ભારત અને પાકિસ્તાનની દરિયાઈ સીમા ગુજરાત સાથે ખૂબ જ નજીકથી જોડાયેલી છે, ત્યારે વેરાવળ પોરબંદર અને ગુજરાતના અન્ય દરિયા કિનારા પરથી માછીમારી કરવા માટે નીકળેલી બોટ અને માછીમારો આંતરરાષ્ટ્રીય જળ સીમા ઓળંગી જાય છે. જેને પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવે છે. આવા કિસ્સાઓ ખૂબ ઓછા જોવા મળે છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા મધ દરિયે માછીમારી કરી રહેલી ભારતીય બોટની સાથે તેમાં રહેલા માછીમારોનું અપહરણ કરીને તેને પાકિસ્તાનની જેલમાં ઠોસી આપે છે. આવા 200 જેટલા માછીમારોને છોડવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય કર્યો છે.