- ગીર સોમનાથમાં ભાજપ સામે બળવો કરનારાને પાર્ટીએ લાલ આંખ બતાવી
- જિલ્લા પ્રમુખ માનસિંગ પરમારની કાર્યવાહી
- વેરાવળમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ સહિત 10 ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા
ગીર સોમનાથઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા સત્તાધારી ભાજપમાં રાફડો ફાટ્યો હતો. જો કે અનેક આગેવાનો અને મોટાભાગના કાર્યકરોની ટિકિટ કપાતા રોષે ભરાયાં હતાં. જેથી પાર્ટીમાં ટિકિટથી વંચિત રહેલા આગેવાનો અને કાર્યકરોમાં ઉકળતો ચરૂ સામે આવ્યો હોય તેમ અનેક આગેવાનોએ પાર્ટી સામે બંડ પોકારી અપક્ષમાંથી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી દેતા રાજકારણ ગરમાયું હતું. જો કે શિસ્તબદ્ધતા માટે પ્રખ્યાત ભારતીય જનતા પાર્ટીમાં પક્ષના જ આગેવાનો અને કાર્યકરોના બળવાને ગંભીરતાથી લઈ જિલ્લા ભાજપ પ્રમુખે આવા કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમારે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જિલ્લાના દરેક કાર્યકર્તા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ વિરોધી પ્રવૃતિ કરી પાર્ટીને નુકસાન કરનારા 10 આગેવાનો કાર્યકરોને પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત કરી પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
સુત્રાપાડામાંથી સસ્પેન્ડ કરાયેલા નરસિંહભાઇ જાદવે ભાજપમાં વર્ષોથી સક્રિય હતાં
આ ઉપરાંત સુત્રાપાડામાંથી સસ્પેન્ડ કરાયેલા નરસિંહભાઇ જાદવે ભાજપમાં વર્ષોથી સક્રિય રહી અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સફળ ફરજ બજાવી હતી. આ વખતની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રાંસલી બેઠકના પ્રબળ દાવેદાર હતાં. જે બેઠક માટે પ્રથમ જિલ્લા પ્રમુખના પીતરાઇભાઇની પસંદગી થઈ હતી. જેમાં વિવાદ ઉભો થતાં નવા નામની પસંદગી થઇ હતી. જેનાથી નારાજ થઇ નરસિંહભાઇએ અપક્ષમાંથી દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.