આનંદો ! ખેડૂતો માટે ખુશખબર ગીર સોમનાથ : ગીર પંથકને લીલી નાઘેર તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. અહીં કેરી બાદ ખેડૂતો દ્વારા ચોમાસામાં સૌથી વધારે પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન લેવામાં આવે છે. જેના કારણે આ પંથકના કોડીનાર અને ઉનામાં ખાંડની મિલો ધમધમતી જોવા મળતી હતી. પરંતુ સરકારની ઉદાસીનતાને કારણે ખાંડ મિલો બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ આ વિસ્તારમાં ગોળનું ઉત્પાદન શરૂ થયું છે. આ વર્ષે સિઝન શરૂ થાય તે પૂર્વે ગોળનું ઉત્પાદન કરતા રાબડાના માલિકોએ ખેડૂતોને પ્રતિ એક ટન શેરડીના નીચામાં નીચા મથાળે રુ. 2300 બજાર ભાવ આપવાનો નિર્ણય કર્યો છે. જે આ વિસ્તારની શેરડીની ખેતીને જીવનદાન આપવાની સાથે ખેડૂતોને રાહત આપનારો નિર્ણય સાબિત થશે.
રાબડા એસોસિએશન દ્વારા શેરડીના ભાવ અંગે મહત્વપૂર્ણ નિર્ણય ગીર પંથકની ઓળખ રાબડા : ખાંડ મિલો બંધ થયા બાદ ગીર પંથકની ઓળખ દેશી ગોળના રાબડા બની રહ્યા છે. આજે રાબડા એસોસિએશનની મહત્વની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં ગોળ અને શેરડીના સસ્તા ભાવ પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને આ વર્ષે પ્રતિ એક ટન શેરડીમાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષથી રુ. 2300 ના ભાવે ખેડૂતો પાસેથી શેરડી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાબડા એસોસિએશનનો નિર્ણય : ગોળનું ઉત્પાદન ઓછું હતું, જેના કારણે ગોળના સારા બજાર ભાવ મળ્યા હતા. ગત વર્ષની માફક આ વર્ષે પણ પરિસ્થિતિ જળવાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જેના કારણે ખેડૂતોને કોઈ નુકસાન ન જાય તે માટે પ્રતિ એક ટન શેરડીમાં 500 રૂપિયાનો ભાવ વધારો રાબડા એસોસિએશન દ્વારા નવી સિઝન શરૂ થતા પૂર્વે જ કરવામાં આવ્યો છે. ગીર પંથકમાં શેરડીની સીઝન દરમિયાન અંદાજિત 250 કરતાં વધુ દેશી ગોળના રાબડાઓ ધમધમતા જોવા મળતા હોય છે.
શેરડીનું ઉત્પાદન : ગત વર્ષે ગીર પંથકના કોડીનાર, તાલાલા, ઉના, સુત્રાપાડા અને ગીર ગઢડા તાલુકામાં ત્રણથી ચાર લાખ ટન શેરડીનું પીલાણ થયું હતું. જેમાંથી 15 થી 16 લાખ ડબ્બા ગોળનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે પણ 15 થી 20 હજાર એકરમાં શેરડીનું વાવેતર થયું છે. જેમાં એક એકર દીઠ 40 ટન શેરડીના ઉત્પાદનની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ ગોળની સીઝન શરૂ થાય ત્યાં સુધી જળવાઈ રહે તો ગત વર્ષની માફક આ વર્ષે પણ શેરડી અને ગોળના બજાર ભાવને લઈને ખેડૂતોને ઓછું નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
- GST on Food Item : લઘુ ઉદ્યોગમાં GST લાગતા લોકોએ કરી સરકાર સામે લાલ આંખ
- Gir Somnath Farmer Issue : કિસાન સૂર્યોદય યોજનાનો મધ્યાને સૂર્યાસ્ત, અપૂરતા વીજ પૂરવઠાથી ખેડૂતો પરેશાન