ગીર સોમનાથઃ વર્ષ 2024 સુધીમાં દેશના મધ્યમ અને ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને ઘરનું ઘર એટલે કે, આ આશરો આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના દેશમાં ક્યાંક ગતિશીલ અને ક્યાંક ધીમી ઝડપે ચાલી રહી છે, ત્યારે સમાજને સમર્પિત એક જવાબદાર ન્યુઝ પ્લેટફોર્મ તરીકે ETV ભારતે દેશના તમામ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ કઈ રીતે કામ કરી રહી છે. તેની હકીકત જાણવા માટે એક વિશેષ પ્રયત્ન કર્યો છે જુઓ આ અહેવાલમાં..
ભારત એવો દેશ છે, જ્યાં સંસ્કૃતિ અને સહકાર્ય પ્રકૃતિ વિકસી છે પરંતુ આજે પણ આપણા દેશમાં એક મોટો એવો સમૂહ છે. જે પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડાં અને મકાનથી પણ વંચિત છે, ત્યારે જે દેશને વિશ્વ ગુરુ બનવું હોય તો પાયાના વ્યક્તિ સુધી પ્રાથમિક જરૂરિયાતો પહોંચાડવી અનિવાર્ય બને છે.
ETVના માધ્યમથી ગીર સોમનાથમાં કેવી ચાલી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રક્રિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ એવો વિચાર રજૂ કર્યો હતો કે, શહેર અને ગામડાઓમાં છેવાડા સુધી વસવાટ કરતા લોકોને ઘરનું ઘર પૂરું પાડવા માટે સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે ક્યાંકને ક્યાંક કોરોના મહામારી પણ પ્રધાનમંત્રીની આ મહત્વકાંક્ષી યોજના માટે બાધારૂપ સાબિત થઇ રહી છે. ત્યારે ડિજિટલ મીડિયાના એક અગ્રીમ પ્લેટફોર્મ તરીકે ETV ભારતે દેશભરના તમામ રાજ્ય અને જિલ્લા લેવલે આ યોજના કેટલી સક્રિય છે. તે જાણવા માટે જમીની હકીકત ચકાસવાનું નક્કી કર્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લામાંથી મળેલી વિગતો આશાસ્પદ જણાય હતી.
રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમલીકરણમાં ગીર સોમનાથ જિલ્લો બીજા ક્રમે નોંધાયો હતો. જ્યારે જિલ્લાનું લક્ષ્યાંક 2019માં 610 આવાસ નિર્માણ કરવાનું હતું, ત્યારે તેમાંના 550થી વધુ આવાસોનું કામ પૂર્ણતાને આરે પહોંચ્યું છે અને આવતા 1 થી દોઢ માસમાં આ લક્ષ્યાંકને ગીર સોમનાથ જિલ્લા દ્વારા પૂર્ણ કરશે તેવું ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રેહવરે ઇટીવી ભારત સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું.
સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવવામાં આવેલા આવાસનું હસ્તાંતરણ કોઈપણ લાભાર્થી ન કરી શકે તેના માટે DRDઓ સતર્ક રહેશે અને જો આવાસ યોજનાનું મકાન ભાડે અથવા વહેંચાતું કોઈને આપવામાં આવશે. તો તંત્ર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સજ્જ છે.