- ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સૈયદ રાજપરા ગામનો માછીમાર એક જ દિવસમાં બન્યો કરોડપતિ
- બોટ માલિકની ત્રણ બોટો દરિયામા ફિશિંગ કરતી હતી ત્યારે ધોલ પ્રજાતિની 2,000થી વધુ માછલી તેના જાળમાં ફસાઈ
- ધોલ પ્રજાતિની માછલીની બજારમાં કિલોનો અંદાજે 5,000 રૂપિયાથી વધુ ભાવ છે
- દરિયામાં માછલી પકડવા બિછાવેલી જાળમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચી કિંમત મળતી ધોલ પ્રજાતિ માછલીના 2,000 નંગ પકડાયા
- વિદેશમાં ધોલ માછલી મેડિકલ અને ખાદ્યપદાર્થની વાનગી બનાવવામાં ઉપયોગ લેવાતી હોય છે
ગીરસોમનાથઃ જિલ્લાના ઉના તાલુકામાં છેવાડાના દરિયાકાંઠે વસેલા સૈયદ રાજપરા ગામના બંદરનો એક માછીમાર દરિયામાં ફિશિંગ બોટ લઈને ગયો હતો. જોકે, ત્રણ દિવસ પહેલા ગુજરાતના દરિયાના ખાડી વિસ્તારમાં આ ફિશિંગ બોટ મચ્છી પકડવા જાળ પાથરી કામગીરી કરી રહી હતી. ત્યારે રાત્રિના સમયે કિંમતી ધોલ પ્રજાતિની માછલીનો જથ્થો માછીમારની જાળમાં ફસાઈ ગઈ હતી. આ ધોલ પ્રજાતિની માછલીની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ ઉંચી કિંમત હોવાથી આ માછીમાર રાતોરાત કરોડપતિ થઈ ગયો છે.
આ પણ વાંચોઃવેરાવળમાં માછીમારોને ડીઝલના વેટની રકમનું રીફંડ આપવા રજૂઆત
ત્રણ દિવસ પહેલા માછીમારની જાળમાં ફસાઈ ધોલ માછલી
માછીમાર ખલાસીઓ સાથે પોતાની ફિશિંગ બોટ લઈ થોડા દિવસ પહેલાં દરિયામાં માછીમારી કરવા ગયો હતો. ત્રણેક દિવસ પહેલા આ માછીમારની જાળમાં ધોલ પ્રજાતિની મોંઘી માછલી ફસાઈ હતી. જોકે, આ ધોલ માછલી એક ફિશિંગ બોટમાં રાખવી શકય ન હોવાથી માછીમારે તે જ વિસ્તારમાં માછીમારી કરી રહેલા પોતાના પરિચીતની અન્ય 2 બોટને બોલાવી હતી. ત્યારબાદ પકડાયેલી સંખ્યાબંધ ધોલ માછલીઓને ત્રણેય બોટમાં રાખી સૈયદ રાજપરા બંદર પરત ફરી હતી. બંદર પર પહોંચ્યા પછી ગણતરી હાથ ધરતા અંદાજે 2,000 નંગ જેટલી ધોલ માછલીનો જથ્થો પકડાયાનું સામે આવ્યું હતું. તો આ પકડાયેલી માછલીના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ત્રણેક કરોડ જેવી થતી હોવાનું જાણકારો પાસેથી જાણવા મળ્યું છે. આમ, માછીમારને જેકપોટ લાગતા રાતોરાત કરોડપતિ બની જતા ખુશખુશાલ થઈ ગયો હતો.