ગીર સોમનાથ : જિલ્લા પોલીસને આજે ખૂબ મોટી સફળતા મળી છે. સરકારી કર્મચારીઓની નોકરી અને બદલી તેમજ નોકરીમાં રાહત અપાવવાને લઈને તોડ કરતો આરોપી ઝડપાયો છે. સોમનાથ જિલ્લાના ઉમરેઠી ગામનો જગદીશ નંદાણીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. જગદીશ પોતે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના PA દતાજી તરીકે ઓળખ આપીને સરકારી નોકરી તેમજ બદલી અને નોકરીમાં રાહત અપાવવાના ફોન કોલ કરતો હતો. આમ લોકો પાસેથી તોડ કરવાના ઇરાદે કારસ્તાન ચલાવી રહ્યો હતો. જેનો આજે સોમનાથ પોલીસે પર્દાફાશ કર્યો છે.
ભેજાબાજનું કારસ્તાન : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ જગદીશ નંદાણીયા પોતે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના PA દત્તાજી તરીકે ઓળખ આપતો હતો. ઉપરાંત મોબાઈલ ફોનમાં હર્ષ સંઘવીના ફોટા સાથે ગૃહ પ્રધાનના PA એવું સ્ટેટસ પણ રાખતો હતો. આમ આરોપીએ લોકોને છેતરવાનો કીમિયો શરૂ કર્યો હતો. એસ.ટી. ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને કંડકટર કેતન બારડને AC બસમાં નોકરી આપવાને લઈને ભલામણ કરી હતી. તો જામનગર એસ.ટી નિયામકને ડિવિઝનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વાળાને નોકરીમાં રાહત આપવાની ભલામણ કરતો ફોન કર્યો હતો. પોલીસે આખરે આ ઠગને ઝડપી પાડ્યો છે. આરોપી જગદીશ નંદાણીયા સામે ભારતીય દંડ સંહિતાની ધારા 170 મુજબ કેસ રજીસ્ટર કરીને વધુ તપાસ શરૂ કરી છે.