ગીર સોમનાથ : જ્યારે ચીનની સરકારે કોરોના વાઇરસને નાથવા તમામ તાકાત કામે લગાવી છે. તેમજ ગણતરીના દિવસોમાં હજારો બેડની હોસ્પિટલ બનાવવા કામે લાગી છે. ત્યારે અત્યાર સુધી અસાધ્ય રોગ રહેલ કોરોના વાઇરસને નાબૂદ કરવાની દવા ગીરસોમનાથની એક નાની એવી ગૌશાળામાં શોધ્યાનો જીતેન્દ્ર જોષી નામના ગૌ આધારિત ચિકિત્સકે દાવો કર્યો છે.
ચીનમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે ગુજરાતના ચિકિત્સકનો કોરોનાની દવા શોધ્યાનો દાવો આ ગૌ આધારિત ચિકિત્સકના કહેવા અનુસાર ગીર ગાયનું ગૌમૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ગાયના શુદ્ધ ઘીનું મિશ્રણ કરી તેને ગરમ કરતા જે દ્રવ્ય બને તેને પંચગવ્ય નામ આપવામાં આવ્યું છે. આ પંચગવ્યના 2 ટીપા નાકમાં નાખીને સુવાથી તે મગજ સુધી પહોંચી અને ચામડી, નાક આંખ કે કાનથી કોરોનાના વાઇરસને શરીરમાં આવતા રોકી શકે તેવું તર્ક આપવામાં આવ્યું છે.
અત્યાર સુધી ચીનની બહાર કોરોના વાઇરસની કોઈ અસર જોવા મળી નથી. પરંતુ પાડોશી દેશો આ વાઇરસને લઈને અત્યારથી જ ગંભીરતા દાખવી રહ્યા છે. ચીન ગવર્મેન્ટે ભારતીય મૂળના લોકો જે અત્યારે ચીનમાં અટવાયા છે. તેમને પરત લઇ જવા ભારત સરકારને એરલીફ્ટ કરવા મંજૂરી આપી છે. ત્યારે પરત ફરતાં ભારતીયોમાં કોરોના વાઇરસ જોવા મળે તો તેમનો ગભરાયા વગર ઉપચાર કરવાનો આ ગૌ આધારિત ચિકિત્સક દાવો કર્યો છે.
જ્યારે આ ચિકિત્સક એ કોરોના વાઇરસની અસર અંગેના વિડીયો અને ઈન્ટરનેટના માધ્યમથી મેળવીને તેના લક્ષણો ફ્લૂ જેવા જોયા ત્યારે તેઓએ ગીર ગાયના પંચગવ્ય તેમજ ગૌમૂત્રમાંથી બનેલ જીવામૃતનું સેવન કરીને વ્યક્તિ કોરોના અને તેના જેવા અનેક અસાધ્ય રોગોમાંથી મુક્ત થઈ શકે તેવો સોશ્યલ મીડિયા પર દાવો કર્યો છે. આયુર્વેદ અને ગૌજન્ય ઔષધી ઉપરનો આ ગૌજન્ય ચિકિત્સકનો ભરોસો સાચો છે કે ખોટો એ વિજ્ઞાનનો વિષય છે, પણ હાલમાં તો આ જીતેન્દ્રભાઈને ગીર ગાય અને આયુર્વેદ ઉપર પૂરો ભરોસો છે કે તે કોઈપણ અસાધ્ય રોગની સારવાર કરી શકે છે.