ગાંધીનગરઃ કોરોના વાઈરસના કારણે થયેલા લોકડાઉનમાં લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે રાજ્ય સરકાર કટિબદ્વ છે. સરકાર દ્વારા વિદ્યાર્થીવર્ગને ધ્યાનમાં રાખીને આજે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.
આશ્રમશાળા, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત - સંવેદનશીલ સરકાર
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના વાઈરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતિમાં રાજ્યની આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટેલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, દિવ્યાંગ બાળકો. છાત્રાલય અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકો કે જે પોતાના ઘરે ચાલ્યા ગયા છે તેમને એપ્રિલ માસના ખર્ચ પેટે વિદ્યાર્થી દીઠ 1500 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની વિગતવાર જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તેમજ બિન અનામત વર્ગોના જે બાળકો હોસ્ટેલમાં, આશ્રમ શાળમાં, નિવાસી શાળાઓમાં રહીને અભ્યાસ કરે છે તેમને રાજ્ય સરકાર નિયમિત ભોજન સહાય આપે છે. લોકડાઉનની હાલની પરિસ્થિતિમાં આ બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે અથવા બીજી જગ્યાએ શીફ્ટ થયા છે. તેવા અંદાજે 3.25 લાખ બાળકોને એપ્રિલ માસ દરમિયાન સહાય પેટે 1500 રૂપિયા આપશે. આ રકમ તેમના વાલીઓના બેંક ખાતામાં સરકાર જમા કરાવાશે.
સીએમ રૂપાણીએ આ ઉપરાંત અન્ય એક નિર્ણય એવો પણ કર્યો છે કે, રાજ્યમાં દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા અને અભ્યાસ કરતા અને ઘરે જતા રહેલા 11 હજાર દિવ્યાંગ બાળકોને પણ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ મહિના પૂરતી રુપિયા 1500 સહાય સરકાર આપશે. તે પણ આ બાળકોના વાલીઓના ખાતામાં જમાં કરાવવામાં આવશે.
આ સાથે જ રાજ્યમાં જે બાળકો બાળ સંભાળ ગૃહમાં રહે છે તેવા બાળકોને પણ આ જ પ્રમાણે એક માસ એટલે કે એપ્રિલ મહિનાની સહાયના 1500 રૂપિયા અપાશે. તે તેમના વાલી ના ખાતામાં જમાં કરાવવામાં આવશે.