ગીર સોમનાથ: રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગીર સોમનાથના ઉનામાં ગત 28 તારીખે ભાજપના પૂર્વ ધારાસભ્ય પર થયેલા ફાયરિંગ કેસમાં ઉનાના કોંગ્રેસી ધારાસભ્ય પૂંજા વંશને પોલીસ દ્વારા 4 વખત સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવાયામાં આવ્યા હતા. ત્યારે પૂંજા વંશે પૂછપરછ બાદ પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે કોઈપણ સંજોગમાં પોતે 19 તારીખે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરશે તેવું પૂંજાભાઈ વંશે જણાવ્યું હતું.
ઉના ફાયરિંગ કેસમાં પૂછપરછ બાદ કોંગ્રેસી ધારાસભ્ય પૂંજાભાઈ વંશે લગાવ્યા સરકાર પર ગંભીર અક્ષેપો
ઉનામાં 28 મેના રોજ ભાજપના પૂર્વ ધારાસભ્ય પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં ઉનાના કોંગ્રેસી ધારાસભ્યની છેલ્લા 5 દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂંજાભાઈ વંશે આ તમામ પજવણી રાજ્યસભામાં પોતાનું મતદાન રોકવા માટે કરાઈ રહ્યાની શંકા વ્યક્ત કરી છે. આ સાથે પૂંજાભાઈ વંશે 2007થી જ પક્ષપલટા માટે ઓફરો કરાતી હોવાનો પણ દાવો કર્યો છે.
ઉનામાં ગત 28 તરીખે ભાજપના પૂર્વ ધારાસભ્ય પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં ઉનાના કોંગ્રેસના ધારાસભ્યની છેલ્લા 5 દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જેના વિશે તેમને પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, તેમને આ કેસમાં ભાજપ દ્વારા ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા છે. તેમને 4 સમન્સ પાઠવામાં આવ્યા છે. તેમને તમામ સવાલોના જવાબ આપ્યા છે. તેમ છતાં તેમને બનાવની તપાસ કરતી SIT જેટલી વાર બોલાવશે તેટલી વખત જવાની તૈયારી પણ બતાવી હતી.
પૂંજાભાઈ વંશે આ તમામ પજવણી રાજ્યસભામાં પોતાનું મતદાન રોકવા માટે કરાઈ રહ્યાની શંકા વ્યક્ત કરી હતી. 19 તારીખે રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના મતદાન કરાવવાની જવાબદારી ચૂંટણીપંચની હોવાનું જણાવ્યું છે. તેમજ પુંજા વંશે પક્ષપલટા માટે 2007થી આજ સુધી ઓફરો આવતી હોવાનો દાવો કર્યો હતો. ત્યારે પોતે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે અને ક્યારેય સામ દામ દંડ ભેદ બાદ પણ કોંગ્રેસ નહીં છોડે તેવી મક્કમતા બતાવી હતી.