ગીર સોમનાથઃ જિલ્લાના ખેડૂતો કપાસથી કંટાળી અને હવે મગફળીના વાવેતર તરફ વળ્યા છે. આ વર્ષે કપાસનું વાવેતર 3000 હેક્ટર ઘટ્યુ છે. આ વર્ષે કપાસના બદલે મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે.
ગીરસોમનાથ: કપાસને બદલે મગફળી બની ખેડૂતોની પહેલી પસંદ - The weather
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો કપાસથી કંટાળી અને હવે મગફળીના વાવેતર તરફ વળ્યા છે. આ વર્ષે કપાસનું વાવેતર 3000 હેક્ટર ઘટ્યુ છે. આ વર્ષે કપાસના બદલે મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. મગફળીમાં કપાસ કરતાં જોખમ ઓછું અને વળતર વધુ મળતાં ખેડૂતોએ કપાસનાં વાવેતરને બંધ કર્યું છે.
છેલ્લા ત્રણેક વર્ષથી કુદરતી હવામાન અને રોગચાળા સહીતના કારણોને લીધે જિલ્લાના ખેડૂતોએ કપાસનું વાવેતર ઘટાડ્યું છે. ખેડૂતોએ કપાસની જગ્યાએ મગફળીના વાવેતરમાં વઘારો કર્યો છે. ગત ત્રણ વર્ષથી કપાસનું વાવેતર ઘટી રહ્યું છે, આ વર્ષે ગત વર્ષ કરતાં ત્રણ હજારથી વધુ હેક્ટર જમીનમાં કપાસની જગ્યાએ મગફળીનું વાવેતર કરાયું છે. ખેતીવાડી નિષ્ણાતોએ જણાવ્યું કે, કપાસના વાવેતરમાં અનેક જોખમ સામે વળતર સતત ઘટી રહ્યું છે. પ્રથમ નકલી બીયારણનો ભય રહે છે, મહેનત બાદ નબળો કપાસ થાય ત્યારે ખ્યાલ આવે છે કે આ નકલી બીયારણ છે. ઉપરાંત છેલ્લા ઘણા વર્ષથી લીલી તેમજ ગુલાબી ઈયળના ભારે ઊપદ્રવથી તૈયાર પાકો પર ટ્રેક્ટરો ચલાવી પાક નો જાતે નાશ કરવો પડે છે, તેમજ કપાસનો પાક તૈયાર કર્યા બાદ યોગ્ય ભાવો ન મળતાં પણ ખેડૂતો કંટાળી કપાસનું વાવેતર નથી કરતા.
કપાસ કરતાં મગફળીમાં મહેનત ઓછી થાય છે, તેમજ કપાસની જેમ રોગનો ભારે ભય પણ નથી રહેતો ઉપરાંત પાણી અને જમીનની અનુકુળતાના કારણે મગફળી ભારે માત્રામાં અને સારી પાકે છે. સરકાર દ્વારા ટેકાના સારા ભાવથી પણ મગફળીનું વાવેતર કરનારા ખેડુતોને ફાયદો થાય છે. કપાસ નુકશાન અને મહેનત બન્ને વધુ કરાવે છે, જેથી ખેડૂતો કપાસ કરતાં મગફળીના વાવેતર તરફ વધુ વળ્યાં છે.