ગીર સોમનાથ: હાઈવે નજીકથી આધેડ મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર - Abduction, robbery and murder
ગીર સોમનાથ: જિલ્લાના વેરાવળ શહેરની કલ્યાણ સોસાયટીમાં રહેતા મંજુલાબેન આંજણીની કોઈ અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી, મૃતદેહને કોથળામાં ભરી વેરાવળ-સોમનાથ બાયપાસ પર ફેંકી દીધો હતો. આ મૃતદેહ પરથી દાગીના ગુમ થયેલા માલુમ પડ્યા છે. જેથી પોલીસે અપહરણ, લુંટ અને હત્યાની આશંકા સાથે વધુ તપાસ શરૂ કરી છે.

વેરાવળની કલ્યાણ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ આંજણી જે માછીમારીનો વ્યવસાય કરે છે. તેમના પત્ની મંજુલાબેન ઉંમર વર્ષ 54 ગઈકાલે શાકભાજી લેવા ગયા હતાં બાદમાં તેઓ ઘરે પરત ફર્યા નહતા. જે બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે ગુરૂવારે વેરાવળ-સોમનાથ બાયપાસ પર કોથળામાં મૃતદેહ હોવાની પોલીસને જાણ થતાં કોથળામાંથી મંજુબેનનો મૃતદેહ નીકળતાં પોલીસે તેમના પરિજનોને જાણ કરી હતી. જેના પર સોનાના દાગીના ન હતા જેથી લૂંટના ઈરાદે અપહરણ કરી હત્યા કરાયાની આશંકા સાથે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.