ગીર સોમનાથ જિલ્લાને વર્ષના પ્રથમ દિવસે રાજ્ય સરકારની બમણી ભેટ, લોકોમાં ખુશીનો માહોલ
ગીર સોમનાથઃ જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ રાજ્ય સરકાર દ્વારા ગિર સોમનાથ જિલ્લાને તબીબી ક્ષેત્રે બમણી ભેટ રૂપે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં 150 થી વધીને 300 બેડની માન્યતા આપવામાં આવી છે. સાથે જ મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવતા શહેરીજનોમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો છે. સાથે જ સરકારની જાહેરાત માત્ર જાહેરાત ન રહી જાય તેવી લોકોમાં ચિંતા પણ જોવા મળે છે.
ગીર સોમનાથ જિલ્લાને વર્ષના પ્રથમ દિવસે રાજ્ય સરકારની બમણી ભેટ
ગીર સોમનાથના મુખ્યમથક વેરાવળ શહેરમાં સરકાર દ્વારા 2017માં કરોડોના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ હોસ્પિટલમાં દર્દીઓના બેડની સંખ્યા 150 રાખવામાં આવી હતી. જે આજે 2020ની પેહલી જાન્યુઆરીએ સરકાર દ્વારા જાણે ગિર સોમનથ માટે ભેટનો પેટારો ખોલાયો હોય તેમ જિલ્લાની મુખ્ય હોસ્પિટલના બેડની સ્ટ્રેન્થ 150 થી વધારીને 300 કરવામાં આવી છે. સાથેજ સંપૂર્ણ આશ્ચર્ય વચ્ચે જિલ્લાને મેડિકલ કોલેજ ફાળવાતા લોકોમાં ખુશીનો પાર નથી.