ગીર સોમનાથ : મહિલાઓ પુરુષ સમોવડી જ નહીં પરંતુ પુરુષથી પણ આગળ નીકળતી જોવા મળે છે. સોમનાથ પોલીસે વૃદ્ધ મહિલાના ગળામાંથી ખૂબ જ સફળતાપૂર્વક સોનાના ચેનની ચોરી કરતી રાજકોટની બે મહિલાને પકડી પાડીને સમગ્ર ચેઈન સ્નેચિંગના કિસ્સામાં ઘટસ્ફોટ કર્યો છે. સુખી સંપન્ન અને સુશિક્ષિત દેખાતી આ બે મહિલાઓ ચોરી કરવા માટે રાજકોટથી છેક ઉના સુધી પહોંચી હતી, પરંતુ અહીં ચોર મહિલા બેલડીની લીલાનો પોલીસે અંત આણ્યો છે.
ચોર મહિલા બેલડી ઝડપાઈ :સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સોમનાથ પોલીસે સુશિક્ષિત અને સુખી સંપન્ન પરિવારની બે મહિલાઓને વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈનની તફડંચી કરવાના ગુનામાં પકડી પાડીને ચોર બેલડી મહિલાના કારસ્તાનને ખુલ્લું પાડ્યું છે. પોલીસ પકડમાં રહેલી આ બંને મહિલાઓ પાસેથી પોલીસે 30 ગ્રામ સોનાના ચેઈનનો મુદ્દામાલ પણ પરત મેળવ્યો છે. પકડાયેલી મહિલા ચોર બેલડી ચોરી કરવા માટે રાજકોટથી છેક ઉના સુધી પહોંચેલી હતી પરંતુ અહીં આ બંને મહિલાનું કારસ્તાન ખુલ્લું પડી ગયું છે.
કાર લઈને આવતી હતી ચોરી કરવા : મૂળ રાજકોટની આ બંને મહિલાઓ ચોરી કરવા માટે કાર લઈને જતી હોવાનો પણ ખુલાસો થયો છે. ચોરીના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. જેમાં ખૂબ જ સફળતાપૂર્વક અને કોઈ પણ વ્યક્તિને જાણ ન થાય તે પ્રકારે શરીર પર પહેરેલા દાગીના આંખના પલકવારમાં સેરવીને આ બંને મહિલાઓ પલાયન થઈ જતી હતી. ઉના પોલીસની પકડમાં રહેલી આ બંને મહિલાઓ સામે રાજકોટમાં સોનાના દાગીના ચોરી કરવાના અલગ અલગ છ ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે.
પોલીસ વડાએ આપી વિગતો :સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ સમગ્ર મામલામાં વિગતો આપતા જણાવ્યું છે કે મહિલાઓ ખૂબ જ સિફતતા પૂર્વક સોનાના દાગીના સેરવીને જતી રહેતી હોય તેવું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. મહિલાઓ દાગીના ચોરવા કે તેને કાપવા માટે કોઈ કેમિકલ કે કેવા પ્રકારના આધુનિક સાધનો ઉપયોગ કરે છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ બંને મહિલાઓ જે વ્યક્તિને શિકાર બનાવવાની હોય તેની આસપાસ ગોઠવાઈ જાય છે અને એકબીજાની જગ્યા બદલતાં જ જે વ્યક્તિએ ગળામાં દાગીના પહેર્યા હોય છે તે આ મહિલાઓના હાથમાં જોવા મળે છે જેને લઈને પણ સોમનાથ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
- સુરતમાં વિધિ કરવાના નામે સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ પડાવી લેતી મહિલા ચોર ગેંગ ઝડપાઇ
- અમદાવાદમાં મહિલા ચોર ગેંગ સક્રિય, જૂઓ વીડિયો