ગીર સોમનાથ : શું તમારે ત્યાં રિમોલ્ડ કરેલા ટાયર અને ટ્યુબ છે તો સાવધાન બની જજો. સોમનાથ પોલીસે આવા ટાયર અને ટ્યુબની ચોરી કરતા ત્રણ ઈસમને ઝડપી પાડ્યા છે, પોલીસ કાર્યવાહી દરમિયાન કુલ સાત લાખ 32,400 રૂપિયાનો મુદ્દામાલ પણ પકડી પાડવામાં આવ્યો છે.
રિમોલ્ડ ટાયર પર ચોરોની નજર : સોમનાથ પોલીસે વેરાવળ કોડીનાર હાઇવે પરથી ચોરી કરતી ત્રિપુટીને પકડી પાડી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જિલ્લાના કોડીનાર સુત્રાપાડા અને ઉના પોલીસ મથકમાં રિમોલ્ડ ટાયર અને ટ્યુબની ચોરી થવાની ફરિયાદો પોલીસ મથકમાં રજીસ્ટર થઈ હતી. જેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સમગ્ર મામલામાં આજે પોલીસે વીજપડીના જીતુ મઢડાના નરેન્દ્ર અને લાઠીના ધનાને પકડી પાડીને રિમોલ્ડ ટાયર અને ટ્યુબની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ત્રણેય ચોર પાસેથી પોલીસને કુલ 173 નાના મોટા ટાયરો અને 12 ટ્યુબ મળી આવી છે, જેની બજાર કિંમત 2,17,400 રૂપિયા જેવી થવા જાય છે.
આરોપીઓ જિલ્લામાં કરતા હતા ચોરી : પકડાયેલા ત્રણેય આરોપી વિરુદ્ધ સોમનાથ જિલ્લાના કોડીનાર સૂત્રાપાડા અને ઉના પોલીસ મથકમાં ભારતીય દંડ સંહિતાની ધારા 379 અંતર્ગત વર્ષ 2023 માં ફરિયાદ રજીસ્ટર થઈ હતી. જેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી જેમાં આજે પોલીસને ત્રણ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. ત્રણેય પાસેથી ટાયરની સાથે ચોરીના કામમાં ઉપયોગમાં લેવાતી બોલેરો જીપ મળીને કુલ 7,32,400 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપી પૈકી જીતુ અગાઉ કોડીનારમાં આવેલી સિમેન્ટ ફેક્ટરીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, જેને લઈને પણ તે આ વિસ્તારથી જાણકાર હોવાને કારણે તેના બે સાગરીતો સાથે ચોરીને અંજામ આપતો હતો જેનો ભેદ આજે પોલીસે ઉકેલી નાખ્યો છે.
એલસીબીએ આપી વિગતો : એલસીબી પીઆઇ એસ એમ ઇસરાણીએ ટાયરની ચોરીનો ભેદ ઉકેલવાને લઈને માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લાના ઉના કોડીનાર અને સુત્રાપાડા વિસ્તારમાં રીમોલ્ડ ટાયર ચોરીની ફરિયાદો સામે આવી હતી. જેમાં પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે વેરાવળ કોડીનાર હાઇવે પરથી ત્રણેય ઈસમોને ચોરેલા રિમોલ્ડ ટાયર અને ટ્યુબ સાથે પકડી પાડવામાં આવ્યા છે. અગાઉ પકડાયેલા ત્રણેય ઈસમો અન્ય કોઈ ગુનામાં શામેલ છે કે નહીં તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.
- વરસાદમાં રોડ પર પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા, ટાયર ફાટવાની ઘટનાઓમાં 30 ટકાનો વધારો
- મોરબીમાં ટીંબડી પાટિયા નજીક લાખો રૂપિયાના ટાયરની ચોરી
- અંકલેશ્વરમાં 13 લાખના સમાનની ચોરી ઘટના CCTV માં કેદ