- ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત
- રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ખુટ્યો
- જથ્થો ખુટી જતાં વિતરણ કામગીરી બંધ રહી
- આગેવાનો અને ધારાસભ્યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર
ગીર સોમનાથ: કોરોના કહેર સામે ઝઝુમતા ગીર સોમનાથ જિલ્લાની સ્થિતિ જાણે ભગવાન ભરોસે રાજ્ય સરકારે છોડી દીધી હોય તેવી હાલત સર્વત્ર જોવા મળી રહી છે. 20 એપ્રિલે જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ કીટો ખુટી ગયા બાદ 21 એપ્રિલે કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેમડેસીવીર ઇન્જેકશનો ખલાસ થઇ ગયા હોવાથી કોરોનાના દર્દીઓ અને તેમના સંબંધીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા. જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો સ્ટોક ખાલી થઇ ગયો હોવાથી આજે દિવસભર ઇન્જેક્શનોનું વિતરણ થઇ શક્યું ન હતું. જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શન અછતના મામલે સ્થાનિક ભાજપ-કોંગ્રેસના જવાબદાર નેતાઓએ રાજ્ય સરકારને પત્ર લખી વધુ સ્ટોક ફાળવવા માંગણી કરી છે.
આ પણ વાંચો:ભુજમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા લોકો રોષે ભરાયા, રસ્તો ચક્કાજામ કર્યો
બીજો સ્ટોક આવશે ત્યારબાદ ફરી વિતરણ ચાલુ થશે
કોરોના મહામારીના લીધે ગીર સોમનાથ જિલ્લામાં દરરોજ પોઝિટિવ કેસો આવી રહ્યા છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓને બેડ પણ મળતા ન હોવાની વ્યાપક ફરીયાદો લોકો કરી રહ્યા છે. જિલ્લા કક્ષાની સરકારી કોવિડ હોસ્પિટલ ઉપરાંત અન્ય 8 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ બેડ ફુલ થઇ ગયા હોવાથી લાંબુ વેઇટિંગ લીસ્ટ છે. દરરોજ મોટી સંખ્યામાં નવા દર્દીઓ આવી રહ્યા છે. એવા સમયે કોરોનાની સારવારમાં રામબાણ ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો બુધવારે સવારથી જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ખાલી થઇ ગયો હોવાથી વિતરણ બંધ કરી દેવાયું હતું. આ અંગે તંત્રના અધિકારીએ જણાવેલું કે, અઠવાડિયા પૂર્વે ગીર સોમનાથ જિલ્લા માટે 1,400 રેમડેસીવીર ઇન્જેક્શનોનો સ્ટોક આવેલો જે 100 ટકા વિતરણ કરી દેવાયો છે. ગુરૂવારે ઇન્જેક્શનનો બીજો સ્ટોક આવશે ત્યારબાદ ફરી વિતરણ ચાલુ કરી દેવાશે.