- ગીરની કેસર કેરીનો 60 ટકાથી વધુનો પાક નિષ્ફળ થતા કેરી મોંઘી થશે
- 500 રૂપિયામાં મળતું કેરીનું બોક્સ આ વર્ષે રૂપિયા 600થી 700માં મળે તેવા એંઘાણ
- સામાન્ય વર્ગને આ વર્ષે ઉંચા ભાવનાં કારણે કેસર કેરીનો સ્વાદ કડવો લાગશે
ગીર સોમનાથ:આપંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ સીઝન આવેલ કેસર કેરીની વાત કરીએ તો આ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરીનો 60 ટકાથી વધુ પાક નિષ્ફળ ગયો છે. કારણ કે, થોડા સમય પુર્વે હવામાનમાં આવેલા પલટાએ કેરીના બગીચાઓમાં આંબામાં આવેલા 60 ટકા મોર બળીને ખાખ કરી નાંખ્યા છે. જેથી ગત વર્ષે રૂપિયા 500માં મળતી કેસર કેરીની પેટીનો ભાવ આ વખતની સીઝનમાં મોંઘો રહેશે. જેથી આ સીઝનમાં ઉંચા ભાવનાં રહેવાના કારણે કેસર કેરીનો સ્વાદ સામાન્ય વર્ગના લોકોને કડવો લાગશે તેવા એંઘાણ સર્જાયા છે. જો કે, કેસર કેરીનો પાક નિષ્ફળ જવાના કારણે બાગાયતી ખેડૂતો ભારે ચિંતિત બન્યા હોવાથી ભારતીય કીસાન સંઘ દ્વારા સર્વે કરી સહાય માટે રાજય સરકારને રજૂઆત કરી છે.
કેસર બનશે કડવી, કેરીના મોરમાં નુકસાન જતાં આ વર્ષે ભાવ આસમાને પહોંચવાની શક્યતા આ પણ વાંચો:તાલાલામાં અનુકુળ હવામાન ન હોવાના લીઘે કેસર કેરીના પાકને ફટકો, વળતર માટે રજૂઆત
કેસર કેરીનું છેલ્લા 7 વર્ષથી ક્રમશ ઘટી રહેલું ઉત્પાદન
ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા સાતેક વર્ષથી ક્રમશ ઘટી રહ્યું છે. તેવા સમયે ચાલુ વર્ષે પણ વાતાવરણમાં કલાઇમેન્ટ ચેન્જની અસરના કારણે કેરીના બગીચાઓ ધરાવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જે અંગે બાગાયતી માલજીં જવાના ખેડુત દેવશી સોલંકી અને તાલાલાના ખેડુત મનસુખ ટીમળીયાએ જણાવેલ કે, આ વર્ષે શરૂઆતમાં આંબાના બગીચાઓમાં ભારે મોર આવતાં ખેડુતો રાજી થઇ ગયેલ પરંતુ થોડા સમય પુર્વે હવામાનમાં આવેલા પલટાના કારણે કેરીના બગીચાઓમાં આંબામાં આવેલા 60 ટકા મોર બળીને રાખ થઇ ગયા હતા. જેના કારણે નાની કેરી આપો આપ ખરી જતાં વર્તમાન સમયમાં 40 ટકા જેટલો જ કેરીનો પાક હાલ આંબા પર જોવા મળી રહયો છે. ત્યારે સંપૂર્ણ બાગાયત પર નિર્ભર ખેડુતોની સ્થિતિ કફોડી બની ગઇ છે.
કેસર કેરીની આવક મેંગો માર્કેટમાં ઓછી રહેવાની ઘારણા
સામાન્ય નિયમ પ્રમાણે ઉત્પાદન ઘટતા ભાવો ઉંચા જવાની પુરી સંભાવનાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. કેસર કેરીનો પાક આ વખતે આખતર-પાછતર છે. ઓછા ઉત્પાદનને કારણે આ વખતે કેરીનાં ભાવ પણ ઉંચા રહેશે તેવી કેરીના વેપારીઓ આશા વ્યકત કરી રહયા છે. ત્યારે તાલાલા ગીરના કેસર કેરીના હોલસેલ વેપારી કાળુ બોરીચાના જણાવ્યા મુજબ કેસર કેરીના પાકને જાણે હવામાનનું ગ્રહણ લાગ્યું હોય તેમ સતત કેરીનો પાક ધટી રહ્યો છે. ગ્લોબલવોર્મીંગની માઠી અસર ગીરની કેસર કેરીને પહોંચી છે. ગયા વર્ષની વાત કરીએ તો તાલાળા યાર્ડમાં અંદાજે 8 થી 9 લાખ કેરીનાં બોકસ વેંચાણ અર્થે આવ્યા હતા. જયારે આ વર્ષે 5 થી 6 લાખ કેરીનાં બોક્ષ આવવાની સંભાવના છે. કારણ કે, આ વર્ષે કેસર કેરીનો પાક 60 થી 70 ટકા નિષ્ફળ ગયો હોવાથી કેસર કેરી બજારમાં ઓછા પ્રમાણમાં આવશે.
આ પણ વાંચો:કેરીનું ખરણ અટકાવવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવા બાગાયત વિભાગ કાર્યરત
400થી 500ની કેરીનું બોક્સ આ વર્ષે 600થી 700માં વેંચાશે
આગામી કેરીની સીઝન તા.25 એપ્રીલ આસપાસ શરૂ થશે. આ સાથે 20 થી 25 દિવસ ચાલે તેવું વર્તમાન સ્થિતિ પરથી લાગી રહ્યું છે. વેપારી કાળુ બોરીચાએ વધુમાં જણાવેલ કે, ગયા વર્ષે જે ફસ્ટ ક્વોલિટીની કેસર કેરી રૂપિયા 400થી 500માં મળતી હતી તે આ વર્ષે રૂપિયા 600થી 700માં વેંચાશે. જયારે સામાન્ય કેટેગરીની કેસર કેરી ગયા વર્ષે રૂપિયા 200માં 10 કીલોનું બોક્સ વેચાતું હતુ તે આ વર્ષે રૂપિયા 300 થી 500માં વેચાવાની સંભાવના છે. જેથી સામાન્ય વર્ગના લોકોને આ વર્ષે ઉંચા ભાવનાં કારણે કેરીનો સ્વાદ કડવો લાગશે.
ભારતીય કીસાન સંઘ દ્વારા સહાય માટે સરકારને રજૂઆત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની આબાદી અને સમૃધ્ધિમાં જેનું અગ્રીમ અને સર્વોત્તમ યોગદાન છે તે ગીર પંથકનું અમૃતફળ કેસર કેરીના પાકને ચાલુ વર્ષે વળતર ચુકવવાની માંગણી કરાય છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીને આ વર્ષે વાતાવરણે વ્યાપક અસર કરી હોવાથી 70 ટકા જેટલો કેસર કેરીનો પાક નાશ પામ્યો છે. જેમાં ચાલુ વર્ષે કેસર કેરીના ઝાડ પર ઈયળ, મઘીયો અને નાની જીવાતનાં કારણે વ્યાપક પ્રમાણમાં કેરીના પાકને મોટો ફટકો પડ્યો છે. તાલાલા કિસાન સંઘ પ્રમુખ પ્રવીણભાઈ સોડવડીયાના જણાવ્યમ મુજબ તાલાલા ગીર પંથકની જીવાદોરી સમાન કેસર કેરી નાશ પામતા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજય સરકારને આવેદન પત્ર પાઠવી કેરીના ઉત્પાદક ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગણી કરાય છે.