દર વર્ષે 3 તબક્કામાં પક્ષીઓની ગણતરી થતી હોય છે ગીર સોમનાથઃ શિયાળાની શરુઆત થતાં જ ગીરમાં જામવાળા અને કોડીનાર રેન્જમાં કાદવ અને જળપ્લાવિત વિસ્તારોમાં યાયાવર અને સ્થાનિક પક્ષીઓ આવતા હોય છે. આ પક્ષીઓ પ્રજનન અને ખોરાક માટે સ્થળાંતરિત કરતાં હોય છે.
વિદેશી પક્ષીઓની પ્રજાતિઃ ગીરના મીઠા પાણીના કાદવવાળા વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ શિયાળામાં સ્થળાંતર કરવાનું પસંદ કરે છે. આ વિદેશી પક્ષીઓમાં સાયબેરિયન ક્રેન, ફલેમિંગો, પેલિકન વગેરેનો સમાવેશ થાય છે. આ વિદેશી પક્ષીઓના વતનમાં બહુ ઠંડી પડતી હોવાથી તેઓ હુંફાળા સ્થળ તરફ રવાના થાય છે. જેમાં આ વિદેશી પક્ષીઓ સાયબેરિયા અને રશિયાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જીવન વીતાવવાનું પસંદ કરે છે.
ગત વર્ષ કરતા માઈગ્રેટ બર્ડની પ્રજાતિમાં ઘટાડો નોંધાયો ગત વર્ષ કરતા ઘટાડોઃ વન વિભાગ દ્વારા ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને શિયાળા દરમિયાન વિદેશી અને સ્થાનિક પક્ષીઓની ગણતરી કરતા હોય છે. દર વર્ષે 3 તબક્કામાં પક્ષીઓની ગણતરી થતી હોય છે. વન વિભાગે આ વિદેશી તેમજ સ્થાનિક પક્ષીની ગણતરીનો પહેલો તબક્કો શરુ કર્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે વિદેશી પક્ષીઓની પ્રજાતિમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે શિયાળાના આ સમયે માત્ર 26 જેટલી પ્રજાતિના પક્ષીઓ વન વિભાગને પ્રથમ તબક્કામાં જોવા મળ્યા છે. ગત વર્ષે આ પ્રજાતિની સંખ્યા 50થી 60 જોવા મળી હતી. જો કે વન વિભાગને આશા છે કે શિયાળાની ઠંડી જામશે ત્યારે વધુ કેટલીક પ્રજાતિના પક્ષીઓ કાદવ અને જળ પ્લાવિત વિસ્તારોમાં જોવા મળશે.
આ વર્ષે ઠંડીનો માહોલ સહેજ મોડો જામ્યો છે. અમે બૂકલેટનો ઉપયોગ કરી એનજીઓ સાથે રહીને પક્ષી ગણતરી કરીએ છીએ. વિદેશી પક્ષીઓના વતનમાં આ સમયે જળાશયો બરફમાં ફેરવાઈ જતા હોવાથી તેઓ ગુજરાતમાં કોસ્ટલ એરિયામાં આવે છે. વિદેશી પક્ષીઓને અહિ વિવિધ ખોરાક સરળતાથી મળી રહે છે...દિનેશ ગોસ્વામી(પક્ષી પ્રેમી, ગીર)
અમે કુલ 3 ટીમો બનાવીને 3 તબક્કામાં પક્ષી ગણતરી કરીએ છીએ. ગઈકાલે અમે પ્રથમ તબક્કાની પક્ષી ગણતરી પૂર્ણ કરી હતી. અમને પ્રથમ તબક્કામાં કુલ 25થી 26 જેટલી પક્ષી પ્રજાતિ જોવા મળી છે. સમયજતાં તેમાં વધારો થઈ શકે છે...મહેન્દ્ર રાઠોડ(ફોરેસ્ટર, જામવાળા રેન્જ)
- લાખો વિદેશી પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન, નવસારી પંથકમાં શરૂ કરાઈ રાજ્યકક્ષાની પક્ષી ગણતરી
- Kutch Flamingo Tourism : ખડીરબેટમાં જોવા મળ્યા હજારો ફલેમિંગો, વિકસાવી શકાય છે 'ફ્લેમિંગો ટૂરિઝમ'