ગીર સોમનાથઃ કોરોનાના આંકડાઓનો ભેદ ઉકેલવા માટે ETV BHARATએ ગીર સોમનાથ કોવિડ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ પાસેથી તપાસની શરૂઆત કરી હતી. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ જવાબ આપ્યો નહતો, પરંતુ ટેલિફોનિક માહિતી આપવામાં પણ દૂર ભાગ્યા હતા અને ફોન જ રિસીવ કર્યા નહોતા.
ETV ભારતે આ સવાલોના જવાબ મેળવ્યા હતા
- ગીરસોમનાથ જિલ્લામાં કોરોનાના કારણે કેટલા થયા છે મોત?
- શુ તંત્ર કોરોનાના કારણે થયેલા મોતના આંકડા છુપાવી રહ્યું છે?
- જિલ્લામાં આખરે કેટલા લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા?
માહિતી વિભાગ દ્વારા જે કોરોના બુલેટિન જાહેર કરવામાં આવ્યા છે તે આંકડાઓ અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કારણે 16 લોકોના મોત જાહેર કરાયા છે. ત્યારે લોકો દ્વારા સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાએ આ આંકડાઓ ખોટા હોવાની વાત ચર્ચાઈ રહી છે. ત્યારે ETV BHARATએ તે તપાસના બીજા ચરણમાં એક કદમ આગળ વધીને ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળના નગરપાલિકા સંચાલિત સ્મશાનની મુલાકત લીધી હતી. નગરપાલિકાના અધિકારીઓ સાથે સમજાવટ બાદ નગરપાલિકામાં અગ્નિદાહની નોંધપોથી મેળવી હતી. ત્યારે આ નગરપાલિકાની પહોંચ બુક ચેક કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં 16 જેટલા મોત ગણાવી રહ્યાં છે. ETV BHARATની તપાસમાં નગરપાલિકાની અધિકૃત પહોંચ બુકમાં નોંધાયેલા કોરોનાના અધધ 94 મોત સામે આવ્યા હતા.
ગીર સોમનાથમાં કોરોનાના મોતના આંકડામાં વિસંગતતા, ETVએ શોધ્યા સાંચા આંકડા ETV ભારતે નગરપાલિકાના સ્મશાનને લગતી વહીવટી કામગીરી સંભાળતા અધિકારી જેઠા સોલંકીનો સંપર્ક કરી તેમની સાથેની વાતચીત કરી હતી. જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, નગરપાલિકા સંચાલિત ગેસ આધારિત સ્મશાન ગૃહમાં અત્યાર સુધીમાં 98 જેટલા કોરોના ગ્રસ્ત મૃતદેહ આરોગ્ય વિભાગ દ્વારા લાવવામાં આવ્યા હતા. જેમાં તમામ મૃતદેહોને આરોગ્ય કર્મચારીઓ અને સ્મશાન કર્મી દ્વારા PPE પહેરીને ખોલ્યા વગર જ સીધા ગેસ ચેમ્બરમાં અગ્નિદાહ અપાયા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ કોરોનાથી મરનાર વ્યક્તિની અંતિમ ક્રિયા સમયે તેમના સ્વજનો પાસે જ્યારે આ ગેસ આધારિત સ્મશાનની 1500 રૂપિયાની પહોંચ પાડવામાં આવતી હતી. ત્યારે નગરપાલિકા દ્વારા કોરોના ગ્રસ્ત મૃતદેહનો હિસાબ રાખવા માટે તેમાં સ્પષ્ટ કોરોના શબ્દનો બ્રેકેટમાં ઉલ્લેખ કરવામાં આવતો હતો.
આ માહિતી મેળવ્યા બાદ ETV BHARATએ ફરીથી આરોગ્ય વિભાગ અને માહિતી વિભાગનો સંપર્ક કર્યો હતો અને ફરીથી ખાતરી કરી હતી કે, આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા મોતના આંકડા 16 કે, 17 જ છે. ત્યારે એટલી માહિતી પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, ગીર સોમનાથ જિલ્લા જેવા નાના મથક પર આટલી હદે આંકડાઓમાં વિસંગતતા જોવા મળે છે. કથિત રીતે મોતના આંકડા તંત્ર દ્વારા છુપાવાઇ રહ્યાં છે. ત્યારે મહાનગરો અને કોરોના હોટ બનેલા શહેરોમાં જાહેર થતા આંકડાઓ પર કઈ રીતે વિશ્વાસ કરી શકાય, ત્યારે આંકડાઓ વિશે માહિતી આપવા ન તો કોઈ અધિકારી તૈયાર થઈ રહ્યાં છે કે, ન પછી આરોગ્ય સચિવ જયંતિ રવિ પોતે આંકડાઓની વિસંગતતા બાબતે કોઈ યોગ્ય નિવેદન આપી રહ્યાં છે. ત્યારે કોરોના કાળમાં પ્રજાનો સરકાર પરથી અને તંત્ર પરથી ભરોસો ચોક્કસથી જોખમાયો છે.