- વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાનું 83.67 કરોડનું પુરાંત સાથેનું વિકાસલક્ષી બજેટ મંજૂર
- વેરાવળ પાટણમાં માળખાકીય સુવિઘા વઘારવા 56 કરોડના કામોનું આયોજન
- વેરાવળ પાટણ સંયુક્તનું નામકરણ કરવા સર્વાનુમતે ઠરાવને મંજૂરી અપાઇ
ગીર સોમનાથ:ભાજપે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું સતાનું સુકાન સંભાળ્યા બાદ પ્રથમ બજેટ બેઠક યુવા પ્રમુખ પિયુષ ફોફંડીની અઘ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કુલ 44 પૈકી સતાપક્ષ અને વિપક્ષના 40 નગરસેવકો હાજર રહ્યા હતા. સત્તાધિશોએ કોઇપણ જાતના નવા કરવેરા વિનાનું તથા અનેક વિકાસ કામો સાથે પ્રજાહિતના કાર્યો કરવાની જોગવાઇ કરેલા આગામી વર્ષ 2021-2022નું 83.67 કરોડનું 1.49 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું.
સર્વે નગરસેવકોએ ઉત્સાહભેર સર્વાનુમતે મંજૂર કરેલો હતો
બજેટનો કોંગ્રેસના એક માત્ર નગરસેવક અફઝલ પંજાએ વિરોઘ કરેલો જયારે બાકીના તમામ નગરસેવકોએ મંજૂરી આપતા બજેટ બહુમતિથી મંજૂર કરાયું હતું. બેઠકના પ્રારંભે જ પ્રમુખ પિયુષભાઇ ફોફંડીએ શહેર પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર સાથે જોડાયેલા છે. ત્યારે બેઠકના પ્રથમ એજન્ડામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું સોમનાથ નગરપાલિકા નામકરણ માટે યોગ્ય કાર્યવાહી અર્થે ઠરાવ રજૂ કરેલો જેને સર્વે નગરસેવકોએ ઉત્સાહભેર સર્વાનુમતે મંજૂર કરેલો હતો.
બજેટમાં 29.10 કરોડ વિકાસ યોજના માટે મંજૂર
આજે વર્ષ 2021-22 બજેટમાં કરેલી જોગવાઇઓ અંગે પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, કારોબારી ચેરમેન નિલેશ વિઠલાણીએ જણાવેલું કે, બજેટમાં 29.10 કરોડ વિકાસ યોજના માટે, 6.32 કરોડના જુના દેણાં ચુકવવા તથા 26.39 કરોડ અગ્રીમ આવશ્યક સેવાઓ માટે જોગવાઇ કરાઇ છે. હયાત કૈલાશધામને 65 લાખના ખર્ચે અપગ્રેડેશન કરીને ઇલેકટ્રીક સ્મશાન ભઠ્ઠી બનાવવાનું, અમૃત યોજના અંર્તગત 10 કરોડના ખર્ચે શહેરના મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા ફૂટપાથ બનાવાશે.
ઝવેરચંદ મેધાણી લાયબ્રેરીને 50 લાખના ખર્ચે અપગ્રેડ કરાશે
હયાત ઝવેરચંદ મેધાણી લાયબ્રેરીને 50 લાખના ખર્ચે અપગ્રેડ કરી વાતાનુકુલીત નવો વાંચનાલય ખંડ બનાવવાની જોગવાઇ, શહેરમાં સ્ટ્રીટ લાઇટોનું નવીનીકરણ સાથે નવા ઉમેરાયેલા, ઓ.જી.વિસ્તારમાં નવી 750 સ્ટ્રીટ લાઇટો ફીટ કરવા તથા સર્કલો અને ગાર્ડન પર હાઇ માસ્ટ ટાવર ઉભા કરવામાં આવશે. શહેરના મુખ્ય સર્કલોને ફુવારાઓથી સુશોભિત કરાશે. શહેરમાં સ્વચ્છતાને અગ્રીમતા સાથે ડોર-ટુ-ડોર કલેક્શન યોજનાને વઘુ અસરકારક બનાવવા અલાયદુ આયોજન હાથ ઘરાયેલ છે.
પબ્લીક ગાર્ડનનું રૂપિ઼યા 1.20 કરોડના ખર્ચે આઘુનીકરણ કરાશે
પાણીની લાઇનમાંથી લીકેજ સહિતના કારણે પીવાના પાણીના થતાં બગાડને અટકાવવા નવીનીકરણ અને મરામત માટેનું વિશેષ અયોજન કરેલ છે. શહેરના હયાત સાત પબ્લીક ગાર્ડનનું રૂપિ઼યા 1.20 કરોડના ખર્ચે આઘુનીકરણ કરાશે. શહેરના રોડ રસ્તા માટે 15 કરોડના ખર્ચે ડામર, સી.સી તથા પેવરબ્લોકથી મઢવામાં આવશે. હયાત કોમ્યુનીટી હોલને અપગ્રેડ કરી વઘુ એક નવો એસી હોલ તેમજ ખડખડ વિસ્તારમાં નવા કોમ્યુનીટી હોલનું નિર્માણ કાર્ય પુરુ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.