- સોમનાથની પવિત્ર ત્રિવેણી સંગમ પર અસ્થિ વિસર્જન-પિંડદાન નહીં કરવા જાહેરનામું બહાર પડ્યું
- તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટની સિક્યુરિટી સામસામે આવી જતાં ઉગ્ર બોલચાલીથી તંગદિલી
- તીર્થ પુરોહિતોએ કલેકટરને રૂબરૂ મળી જાહેરનામાની અમલવારી અટકાવવામાં માગણી કરી
- એનજીટીની સૂચનાથી ત્રિવેણી સંગમ વધુુ પ્રદૂષિત ન થાય તે હેતુસર જાહેરનામા અમલનો ખુલાસો કરાયો
સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ સોમનાથ ત્રિવેણી સંગમ તીર્થમાં વિવાદ સર્જાયો છે. પરંપરાગત અસ્થિ વિસર્જન અને પિંડદાન સહિતના મૃતકોની પાછળ થતાં વિધિવિધાન ત્રિવેણી સંગમમાં ન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એનજીટીની સૂચનાને પગલે સોમનાથ ટ્ર્સ્ટ દ્વારા જાહેરનામા અમલની શરુઆત કરવામાં આવતાં મામલો ગરમાયો હતો. તીર્થ પુરોહિતોને ત્રિવેણી સંગમ સ્થળે અસ્થિ વિસર્જન-પિંડદાન વગેરે કરવા માટે સોમનાથ ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓએ અટકાવ્યાં હતાં જેને પગલે ભારે હોહા થઈ ગઇ હતી.
સોમપુરા બ્રહ્મસમાજ જરુર પડે ઉપવાસ આંદોલન કરશે
સોમપુરા બ્રહ્મસમાજના પ્રમુખ દુષ્યંત ભટ્ટે જણાવ્યું કે પિંડદાન અને અસ્થિ વિર્સજન કરવાથી કોઇપણ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી. શાસ્ત્રો અને વિજ્ઞાન સિક્કાની એક બાજુ છે. પિંડએ જળચર માછલીના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. અસ્થિમાંથી જળચર પ્રાણીને કેલ્શીયમ મળે છે. સમગ્ર ભારતના તીર્થ સ્થાનોમાં શાસ્ત્રોકત વિધિથી પોતાના સ્વજનોના અસ્થિ વિર્સજન અને પિંડદાન કરાવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટી અને પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇ, અટલ બિહારી વાજપેયજી અને હાલમાં ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલના નિધન બાદ અસ્થિ આ જ ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં પધરાવવામાં આવેલાં હતાં. દૂરદૂરથી મોટી સંખ્યામાં યાત્રિકો પોતાના સ્વજનોના અસ્થિ પધરાવવા અને પિંડદાન કરવા માટે સદીઓથી ત્રિવેણી સંગમ ઘાટે આવે છે. જેથી પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાની અમલવારી અટકાવવાની માગણી છે. જો માગણી સંતોષવામાં નહીં આવે તો નછૂટકે તીર્થ પુરોહિતોએ પરિવાર સાથે ત્રિવેણી સંગમના ઘાટ પર અનિશ્ચિત સમય માટે ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.