- શહેરીજનોને 3 દિવસ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ
- 16, 17 અને 18 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉન
- દુઘની ડેરીઓ બે કલાક જ ખુલ્લી રહેશે
ગીર-સોમનાથઃ 14 એપ્રિલે સાંજે કોડીનાર શહેરમાં માર્કેટીંગ યાર્ડ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ, વહીવટીતંત્ર, પોલીસ, પાલિકા તંત્રના જવાબદારો, સામાજીક અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં કોડીનાર શહેર અને પંથકમાં કોરોનાની વિસ્ફોટક બનેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં લોકોને કોરોનાના સંક્રમણથી કંઇ રીતે બચાવી શકાય તે અંગે પણ અગ્રણીઓએ અભિપ્રાયો વ્યકત કર્યા હતા. બેઠકમાં તમામ ચર્ચા અને અભિપ્રાયો અંગે લાંબી વિચારણા બાદ આગામી 16, 17 અને 18 (શુક્ર,શનિ,રવિ) 3 દિવસનું સ્વૈચ્છીક રીતે લોકડાઉન જાહેર કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃબાલાસિનોરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉન
ગાઇડલાઇનનું લોકો સ્વયંભૂ પાલન કરે તેવી અપીલ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઇ વિઠલાણીએ જણાવ્યું હતું કે, કોડીનાર શહેર-પંથકમાં કોરોનાનું સંક્રમણ કાબુ બહાર જાય તે પૂર્વે કોરોનાની ચેઇન તોડવા કડક નિર્ણય સાથે ગાઇડલાઇનનું લોકો સ્વયંભૂ પાલન કરે તેવી બેઠકમાં આગેવાનોએ લાગણી વ્યકત કરી હતી. જેને લઇ 3 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.