ગીર સોમનાથ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દર્શન કરવા પહોંચ્યા હતાં, ત્યારે તેમની સાથે કોંગ્રેસી કાર્યકરો ટોળાની અંદર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતાં. તો સાથે સોમનાથ પરિસરમાં એક કાર્યકર હાર્દિક સાથે સેલ્ફી અને વીડિયો લઇ મંદિરના નિયમોનો સરે આમ ભંગ કર્યો હતો.
હાર્દિક પટેલની સોમનાથ મુલાકાત બની વિવાદોનું ઘર, સોશિયલ ડિસ્ટન્સ અને નિયમોના ધજાગરા ઉડ્યા - કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની સોમનાથ મુલાકત વિવાદોમાં ઘેરાઈ છે. મુલાકાત સમયે હાર્દિક પટેલ સાથે રહેલા કોંગી કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતાં.
મંદિરમાં હાર્દિક સાથેના કાર્યકરોના સોશિયલ ડિસ્ટન્સના ભંગ વિશે સોમનાથ ટ્રસ્ટનું કહેવું છે કે ટ્રસ્ટ દ્વારા અગાવ થી જ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને સૂચના આપવામાં આવી હતી. પૂજા સમયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું હતું. તેમ છતાં હાર્દિક મંદિરની બહાર હતા તે સમયે કોંગ્રેસી કાર્યકરોનું ટોળું એકઠુ થયું હોય શકે. તેમજ કોઈપણ કોંગ્રેસી કાર્યકરને મંદિરમાં મોબાઈલ કે કેમેરો લઈ જવાની કે ફોટોગ્રાફીની પરમિશન ટ્રસ્ટ દ્વારા નથી આપવામાં આવી.
હાર્દિક પટેલે ધારાસભ્ય વિમલ ચુડાસમાની ઓફિસે સભા યોજી હતી. જેમાં પણ સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં. જેમાં સાથે કોડીનારના ધારાસભ્ય મોહન વાળા તેમજ માંગરોળના ધારાસભ્ય બાબુ વાજા પણ હાજર રહ્યા હતાં, ત્યારે સામાન્ય લોકો પર કડક બનતું તંત્ર રાજકીય લોકો માટે કેમ મૌન છે તે સવાલ ઉભો થાય છે.