- તાલાલા ગીરના સાત ગામોમાં અંધારપટ છવાયો
- સાત ગ્રામ પંચાયતોએ વીજ બીલ ન ભરતા કનેક્શન કપાયા
- ત્રણ ગામો વીજ બીલની કામ બાકી રકમ ચુકતે કરી દેતા અંધારપટ થતા બચી ગયા
ગીર સોમનાથ: તાલાલા નગરપાલિકા સહિત તાલુકાની નવ ગ્રામ પંચાયતો પાસેથી વીજ બીલની લાખોની રકમ બાકી હોવાથી 24 કલાકમાં બાકી રકમ ભરપાઈ કરવા તાલાલા વીજ કચેરીએ તાકીદની નોટિસ આપી હતી. જેને લઇને તાલાલા નગરપાલિકાના વીજ બીલના બાકી રકમમાં સ્ટ્રીટ લાઇટના 48 લાખ 27 હજાર તથા પાણી પુરવઠાના 11 કરોડ 20 લાખની કુલ બાકી રકમ પેટે તાકીદે રૂપિયા 5 લાખ ભરપાઇ કરી દીધા હતા. જ્યારે ગલીયાવડ ગ્રામ પંચાયતે રૂપિયા 34,984 તથા માલજીજંવા ગ્રામ પંચાયતે રૂપિયા 24,827 ચુકતે રકમ ભરપાઇ કરી દીધી હતી.
સમય સુચકતા ન દાખવતા સાતેય ગ્રામ પંચાયતોના સ્ટ્રીટ લાઇટોના વીજ જોડાણો કાપી નંખાયા
આ ઉપરાંત બાકી રહેતી ઘુસીયા ગીર રૂપિયા 22 લાખ 36 હજાર, ઘ્રામણવા રૂપિયા 1 લાખ, સાંગોદ્રા રૂપિયા 1 લાખ 30 હજાર, રમળેચી ગીર રૂપિયા 1 લાખ 77 હજાર ચિત્રાવડ ગીર રૂપિયા 58,642, હરીપુર ગીર રૂપિયા 83,717 અને ચિત્રોડ ગીર રૂપિયા 48,895 સહિત સાત ગ્રામ પંચાયતોએ વીજળી બીલની બાકી રકમ ભરપાઇ કરવા અંગે સમય સુચકતા ન દાખવી હોવાથી સાતેય ગ્રામ પંચાયતોના સ્ટ્રીટ લાઇટોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યાં હોવાનું નાયબ ઇજનેર ધવલસિંહ પરમારે જણાવ્યું છે.
આ પણ વાંચો :હાઇરાઇઝ્ડ બિલ્ડીંગના ફાયર સાધનો પગલે મહાનગરપાલિકા લાલઘૂમ, 10 બિલ્ડિંગના નળ કનેક્શન કાપ્યા