- જિલ્લામાં ઓક્સિજન બાટલા, ઇન્જેકશનની અછત દૂર કરવા ધારાસભ્યનો પત્ર
- રાજય સરકાર ભેદભાવ રાખતી હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો
- માંગ પૂરી નહી કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી
ગીર સોમનાથ: જિલ્લામાં ઓક્સિજન, ટેસ્ટીંગ કીટ અને ઇન્જેક્શનની તીવ્ર અછત મામલે રાજ્ય સરકાર અને તંત્ર નમાલું પુરવાર થઈ રહ્યુ છે. ત્યારે, સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લામાં પૂરતો ઓક્સિજનનો જથ્થો, ટેસ્ટીંગ કીટો પૂરી પાડવા બાબતે રાજ્ય સરકારને વધુ એક પત્ર લખ્યો છે. જો માંગણી મુજબ, જિલ્લામાં ઓક્સિજન સહિતની જરૂરીયાતી વસ્તુઓની ઘટ પૂરી નહીં થાય તો શહેરના ટાવર ચોકમાં ઉપવાસ આંદોલન પર ઉતરવાની પત્રમાં ચિમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં કોરોનાના કેસ વધ્યા તેમ છતાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ
જિલ્લામાં કોરોનાનો કહેર ચરમસીમાએ
સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાજ્ય સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર ચરમસીમાએ પહોંચ્યો છે. આથી, જિલ્લાની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પીટલમાં માત્ર ઓક્સિજનની સુવિધાવાળા 70 બેડો જ ઉપલબ્ધ છે. આ બાબતે સ્ટેટ કંટ્રોલરૂમના અધિકારી ધનંજય ત્રિવેદી, એ.બી.પંચાલ સહિતનાઓને ટેલીફોનિક જાણ કરી જિલ્લામાં કોરોના દર્દીઓની જરૂરીયાત મુજબ ઓક્સિજનના બાટલા ફાળવવા ચર્ચાઓ કરેલી હતી. પરંતુ, આ માંગણી કમિટીના સભ્યો માન્ય રાખતા નથી. જેથી, ગીર સોમનાથ જિલ્લા સાથે ભેદભાવ રાખતા હોવાનો અહેસાસ થાય છે.