ગીર સોમનાથ: વેરાવળમાં 300 જેટલા બેરોજગારોને ખાનગી તથા સરકારી નોકરી અપાવવાને બહાને છેતરપિંડી આચરનાર ટોળકીની પ્રભાસ પાટણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે..
વેરાવળમાં 300 જેટલા બેરોજગારોને નોકરીના નામે ઠગનારી ત્રિપુટીની ધરપકડ - ગીર સોમનાથના સમાચાર
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 300 જેટલા બેરોજગારોને નોકરી આપવાના બહાને ઠગનાર ત્રિપુટીની પ્રભાસ પાટણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ યુવાનો વેરાવળના બાયપાસ રોડ પર જોબ પ્લેસમેન્ટના નામે ઓફીસ ખોલી 850 રૂપિયા લઈ ફોર્મ ભરાવતા હતા અને ત્યારબાદ ઈન્ટરવ્યુ લઇ વિવિધ કંપનીઓમાં નોકરી આપવાની લાલચ આપતા હતા. અત્યારસુધીમાં આ ટોળકી બેરોજગાર યુવાનો પાસેથી 3 લાખ રૂપિયા ખંખેરી ચૂકી છે.
આ યુવાનોએ વેરાવળના બાયપાસ રોડ પર ભાડે ઓફીસ રાખી તેનું 15 જાન્યુઆરીએ વિધીવત ઉદ્ઘાટન પણ કર્યુ હતું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા કરી 300 જેટલા નોકરી વાચ્છુક યુવાનો પાસેથી ફોર્મના 850 રૂપિયા પડાવ્યા બાદ ઈન્ટરવ્યુ લઇ વિવિધ કંપનીઓમાં નોકરી આપવાની લાલચ આપી હતી.
યુવાનોને છેતરપિંડીનો અણસાર આવી જતા પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતાં આખા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો અને ત્રણેય ઠગ ત્રિપુટીને જેલના સળીયા પાછળ ધકેલી વધુ તપાસ પણ હાથ ધરી હતી.