વેરાવળના ફોટોગ્રાફરોએ કરી ધનતેરસની અનોખી ઉજવણી ગીર સોમનાથ : આજે ધનતેરસના તહેવાર નિમિતે લોકો લક્ષ્મીની સાથે આરોગ્યના દેવ ધનવંતરીની પૂજા પણ કરતા હોય છે. ત્યારે વેરાવળના ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા અનોખી રીતે ધનતેરસની ઉજવણી કરવામાં આવી છે. વેરાવળના ફોટોગ્રાફરોએ સાથે મળીને તેમના કેમેરા, લેન્સ અને લેપટોપની પૂજન કરીને ધનતેરસનો તહેવાર મનાવ્યો હતો.
ધનતેરસની અનોખી ઉજવણી :આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધનતેરસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે લક્ષ્મીની સાથે આરોગ્યના દેવ ધનવંતરીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે પ્રત્યેક વ્યક્તિ આજના દિવસે પોતાની શક્તિ અનુસાર લક્ષ્મીનું પૂજન કરતા હોય છે. કેટલાક લોકો આજના દિવસે આરોગ્યને પ્રાધાન્ય આપીને ધનવંતરી ભગવાનની પૂજા કરે છે. ત્યારે પાછલા દસ વર્ષથી વેરાવળ શહેર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજના દિવસે કેમેરા અને લેન્સનું પૂજન કરીને ધનતેરસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
કેમેરા અને લેન્સનું પૂજન : આજે ધનતેરસના દિવસે વેરાવળ શહેર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કેમેરા, લેન્સ, લેપટોપ અને ફોટોગ્રાફીના વ્યવસાયમાં જે સાધનોની જરૂરીયાત અનિવાર્ય છે તેવા તમામ સાધનોનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. આમ વેરાવળના ફોટોગ્રાફરોએ આજે વિશેષ રીતે ધનતેરસની ઉજવણી કરી હતી. જેમાં વેરાવળ શહેરના 20 કરતાં વધુ ખાનગી ફોટોગ્રાફરો જોડાયા હતા. જેમ વિધિવત રીતે લક્ષ્મીનું સ્થાપન કરીને પૂજન કરવામાં આવે છે, બિલકુલ તે જ રીતે કેમેરા, લેન્સ અને લેપટોપનું સ્થાપન કરીને તેની પૂજા કરવામાં આવી હતી.
છેલ્લા 10 વર્ષથી ચાલતી ક્રમ : વેરાવળ શહેર ફોટોગ્રાફર એસોસીએશનના પ્રમુખ મુકેશ ચોલેરાએ ધનતેરસના દિવસે કેમેરા, લેન્સ અને લેપટોપના પૂજનને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે, જે રીતે લોકો આજના દિવસે લક્ષ્મીનું પૂજન કરે છે. ઉપરાંત કેટલાક લોકો ભગવાન ધનવંતરીનું પૂજન કરે છે. તેવી જ રીતે અમે ફોટોગ્રાફરો અમારી લક્ષ્મી અને રોજગારીના પ્રતીક રૂપ કેમેરા, લેન્સ, લેપટોપ અને અન્ય ફોટોગ્રાફીના વ્યવસાયમાં જરૂરી સાધનોનું પૂજન કરીને ધનતેરસની ઉજવણી કરી હતી. અમે પાછલા 11 વર્ષથી આવી રીતે ધનતેરસ ઉજવી રહ્યા છીએ.
- Diwali 2023 : મીઠાઈ ફરસાણ ખરીદીમાં ભેળસેળને લઇ સાવચેતી જરુરી, ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની 12 વર્ષની કામગીરી આ રહી
- Diwali 2023 : જામનગરમાં ખજૂરમાં ઇયળ નીકળ્યાં બાદ દિવાળી પહેલા જાગી મનપા ફુડ શાખા, ફરસાણ અને મીઠાઈના નમૂના લીધા