પક્ષીની ચણ માટે આર્થિક સહયોગ અને અનાજ એકત્ર કરવામાં આવે છે ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામમાં હોળી પછીના બીજા દિવસે પક્ષીઓની ચણ માટે વિશેષ અને અનેરો કાર્યક્રમ યોજાય છે. ગામના બે યુગલો દ્વારા જોકરનું સ્વરૂપ ધારણ કરીને સમગ્ર ગામમાંથી પક્ષીની ચણ માટે આર્થિક સહયોગ અને અનાજ એકત્ર કરવામાં આવે છે. આજના દિવસે જોકર બનેલાની સંતાન દંપતિના ઘરે આવતા વર્ષે સંતાન પ્રાપ્ત થઈ હોવાની પણ મનોકામના જોડાયેલી છે. જેથી બોરવાવ ગામનો આ રા ઉત્સવ ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિએ પણ મહત્વનો છે.
આ પરંપરામાં ધાર્મિકતાની સાથે પશુપક્ષી કલ્યાણ અને સાંસારિક સમાજ જીવન વ્યવસ્થાને પ્રાધાન્ય બોરવાવ ગામનો અનોખી રા ઉત્સવ વિધિ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામમાં પાછલા 50 કરતાં વધુ વર્ષોથી અનોખી રીતે રા' ઉત્સવ વિધિ યોજવામાં આવે છે. જેમાં ગામના નિસંતાન દંપતિ જોકર કે અન્ય પાત્રની વેશભૂષા ધારણ કરીને સમગ્ર ગામમાં ફરી ગામવાસીઓ પાસેથી કબૂતરની ચણ માટે અનાજ અને આર્થિક સહયોગ પ્રાપ્ત કરે છે. આ પ્રકારની રા પરંપરા એકમાત્ર તાલાલા તાલુકાના બોરવાવ ગામમાં આજે પણ હોળીના બીજા દિવસે જોવા મળે છે. આ પરંપરામાં ધાર્મિકતાની સાથે પશુપક્ષી કલ્યાણ અને સાંસારિક સમાજ જીવન વ્યવસ્થાને પણ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો Holi Festival 2023: આવનારું વર્ષ સારું રહેશે, હોળીની જાળ જોઈ દેશી આગાહીકારોનો વર્તારો
આજના દિવસે વર્ષભર માટે ચણ થાય છે એકત્ર : આજના દિવસે સમગ્ર બોરવાવ ગામ સમસ્ત રા ઉત્સવ નિમિત્તે ખેડૂતો પોતાની ઈચ્છા અને શક્તિ અનુસાર પશુ પક્ષીના કલ્યાણ માટે ચણ અને આર્થિક સહયોગ આપતા હોય છે. પાછલા 50 વર્ષથી આ પ્રકારની વ્યવસ્થા બોરવાવ ગામમાં જોવા મળે છે. આજના દિવસે એકત્ર થયેલી ચણ અને આર્થિક સહયોગ ગામની ગૌશાળામાં અનામત રાખવામાં આવે છે. જેનો ઉપયોગ ચોમાસાની ઋતુ દરમિયાન પશુ પક્ષીઓ માટે ખૂબ જ જરૂરી એવા ચણ અને ખોરાક માટે કરવામાં આવે છે. ગામનો આ પ્રયાસ અબોલા પશુ પક્ષી માટે પણ આશીર્વાદ સમાન બની રહે છે.
આ પણ વાંચો Holi festival 2023: અનોખી હોળી, ત્રણ ટન જેટલા વજન ધરાવતા હોલિકાના પૂતળાનું દહન
રા ઉત્સવમાં નિસંતાન દંપતિ જોડાઈ છે : રા ઉત્સવ દરમિયાન ગામના નિસંતાન દંપતિઓ જોડાય છે. પતિ પત્ની જોકર કે અન્યની વેશભૂષા ધારણ કરીને સમગ્ર ગામમાંથી પશુ કલ્યાણ માટે અનાજ અને આર્થિક સહયોગ પ્રાપ્ત કરે છે. નિસંતાન દંપતિ જોડાવા પાછળ પણ સામાજિક વ્યવસ્થા જોડાયેલી છે. ગામ લોકોની માન્યતા અનુસાર નિસંતાન દંપતિ રા ઉત્સવમાં જોડાય છે. તેમના ઘરે આગલા વર્ષે નિશ્ચિતપણે સંતાન પ્રાપ્તિ થાય છે. પાછલા 50 વર્ષના ઇતિહાસમાં આજ દિન સુધી એવી એક પણ રા ઉત્સવ કાર્યક્રમ નથી જોવા મળ્યો કે જેમાં જોડાયેલા નિસંતાન દંપતિના ઘરે આગલા વર્ષે સંતાન પ્રાપ્તિ ન થઈ હોય. જેથી કરીને પણ આ રા ઉત્સવ સંતાન પ્રાપ્તિ માટે પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.