- જિલ્લામાં ઠેર-ઠેર વિજય સરઘસો સાથે વિજયોત્સવ મનાવાયા
- 6 તાલુકા પંચાયતમાં ભાજપ-79, કોંગ્રેસ-47 અને અપક્ષે-2 બેઠક મેળવી
- જિલ્લા પંચાયતમાં ભાજપ-22 અને કોંગ્રેસ-6 બેઠક પર વિજય થયા
ગીર સોમનાથઃ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ થયાં બાદ સ્પષ્ટ થયેલા ચિત્ર મુજબ ભાજપનું કમળ સોળે કળાએ ખીલ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જયારે જિલ્લાની ચાર વિઘાનસભા બેઠક પર કોંગી ઘારાસભ્યો હોવા છતાં કોંગ્રેસને કારમી હાર સહન કરવાનો વારો આવ્યો છે. જાહેર થયેલા પરીણામોની વાત કરીએ તો પ્રથમ ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 28 બેઠકોમાંથી ભાજપ-22 અને કોંગ્રેસ-6 બેઠક પર વિજય થયા છે. જિલ્લા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતિથી વિજય મેળવ્યો હતો.
6 તાલુકા પંચાયતની 128 બેઠકોના પરીણામો
જયારે જીલ્લાની 6 તાલુકા પંચાયતની 128 બેઠકોના પરીણામોમાં ભાજપ-79, કોંગ્રેસ-47 અને અપક્ષ-2 બેઠકો પર જીત મેળવી છે. જેમાં વાત કરીએ તો, વેરાવળ તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી ભાજપ-15 અને કોંગ્રેસ-7 સાથે ભાજપે સત્તા મેળવી છે. તાલાલા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપ-7 અને કોંગ્રેસ-10 અને અપક્ષ-1 સાથે કોંગ્રેસે સત્તા મેળવી છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપ-8 અને કોંગ્રેસ-10 સાથે કોંગ્રેસે સત્તા મેળવી છે. કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી ભાજપ-15 અને કોંગ્રેસ-8 અને અપક્ષ-1 સાથે ભાજપે સત્તા મેળવી છે. ગીરગઢડા તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી ભાજપ-14 અને કોંગ્રેસ-6 સાથે ભાજપે સત્તા મેળવી છે. ઉના તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી ભાજપ-20 અને કોંગ્રેસ-6 સાથે ભાજપે સત્તા મેળવી છે. ગીર સોમનાથની 6 તાલુકા પંચાયતોમાંથી વેરાવળ, ઉના અને ગીરગઢડા ભાજપના ફાળે આવી છે. જયારે તાલાલા અને સુત્રાપાડા તાલુકા પંચાયત કોંગ્રેસે કબ્જે કરી છે.
જિલ્લા પંચાયતમાં ભાજપ-22 અને કોંગ્રેસ-6 બેઠક પર વિજય થયા નગરપાલિકાઓનું પરિણામ
જયારે જિલ્લાની 4 નગરપાલિકાઓની 128 બેઠકોમાંથી ભાજપ-107 અને કોંગ્રેસ-17 તથા અપક્ષ-4 બેઠકો મળી છે. જેમાં વેરાવળ પાટણ પાલિકાની 44 બેઠકોમાંથી ભાજપ-28, કોંગ્રેસ-13 અને અપક્ષ-3 સાથે ભાજપે સત્તા મેળવી છે. તાલાલા પાલિકાની તમામ 24 બેઠકો પર ભાજપે વિજય પ્રાપ્ત કરી સત્તા મેળવી હતી. સુત્રાપાડા પાલિકાની 24 બેઠકોમાંથી ભાજપ-20 અને કોંગ્રેસ-4 સાથે ભાજપે સત્તા મેળવી છે. ઉના નગરપાલિકાની 36માંથી ભાજપ-35 અને અપક્ષ-1 સાથે ભાજપે સત્તા મેળવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય