બાઈક પેપર્સ અને ચાવી ઘરની બહાર મીટર બોક્ષ પર મુક્યા વેરાવળઃ ચોર માટે હંમેશા પીડિતો ધુત્કાર અને નફરતની જ લાગણી વ્યક્ત કરતા જોવા મળે છે. પોતાની રોકડ રકમ અથવા પ્રિય એવી વસ્તુઓ ચોરાઈ જતા પીડિતો ઉદાસ થઈ જાય છે અને ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરતા હોય છે. આ સામાન્ય ચલણ છે. જો કે વેરાવળમાં ચોર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા એક પીડિતની ચોરેને ચૌટે ચર્ચા થઈ રહી છે. આ પીડિત એવા વિજય ધોરડા અત્યારે ટોક ઓફ ધી ટાઉન બન્યા છે.
સમગ્ર ઘટનાક્રમઃ વેરાવળમાં રહેતા વિજય ધોરડા પોતાની માતાની સારવાર અર્થે બે દિવસ રાજકોટ ગયા હતા. આ બે દિવસ દરમિયાન તેમનું બાઈક ઘરની બહાર પાર્ક થયેલ હતું. જો કે ઘરે તાળુ હોવાથી કોઈ બાઈક ચોરે હાથ સાફ કરી લીધો. બાઈક ચોરે સીફતપૂર્વક વિજય ધોરડાનું બાઈક ચોરી લીધું હતું. વિજય ધોરડા ઘરે આવ્યા ત્યારે તેમણે પોતાના બાઈકની ચોરી થઈ ગઈ હોવાનું માલૂમ પડ્યું. તેમણે નાસીપાસ કે ઉદાસ થઈને ચોરને ભાંડવાનું, ધુત્કારવાનું કે પોલીસ ફરિયાદ કરવાને બદલે ચોર પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી.
પીડિતની અપીલઃ વિજય ધોરડાએ બાઈક ગુમાવ્યું હોવા છતાં ચોર પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી. વિજયે ચોરને બાઈકની જરુર વધુ હશે તેમ સમજીને ચોરને માફ કરી દીધો હતો. તેમણે ચોરને બાઈક રાખી લેવા અને બાઈકના પેપર્સ અને ઓરિજનલ ચાવી પોતાના ઘરેથી લઈ જવા સોશિયલ મીડિયામાં અપીલ કરી હતી. તેમની ઉદારતા તો એ છે કે ચોરે વિજય ધોરડાને રુબરુ મળીને આ વસ્તુઓ કલેક્ટ કરવાની નથી. તેમણે બાઈકના પેપર્સ અને ઓરિજિનલ ચાવી ઘરની બહાર મીટર પર મુકી દીધા છે. જેથી ચોર વિજયની આંખોમાં જોયા વિના, શરમીંદા થયા વિના રાતના અંધારામાં આ વસ્તુઓ લઈ જઈ શકે.
હું મારી માતાને સારવાર અર્થે રાજકોટ લાવ્યો ત્યારે મારુ બાઈક ચોરી થયું હતું. મારા કરતા બાઈક ચોરને આ બાઈકની વધુ જરુર હશે તેથી હું ચોરને અપીલ કરુ છું કે ઘરની બહાર ઈલેક્ટ્રિક મીટર બોક્ષ પર બાઈકના પેપર્સ અને ઓરિજનલ ચાવી મુકી છે તે તારી અનુકૂળતાએ લઈ જજે. જય સોમનાથ...વિજય ધોરડા(પીડિત, વેરાવળ)
- સુરતમાં સામે આવ્યો સજ્જન ચોર, બાઈક ચોરીના ભોગ બનેલા વ્યક્તિના એક મેસેજે કર્યું ચોરનું હૃદય પરિવર્તન
- વડોદરા ક્રાઈમ ન્યૂઝઃ બાઈકના શો રુમમાંથી ટ્રાયલ લેવાના બહાને બાઈક લઈને ચોર છુમંતર થયો