સોમનાથ : ભાલકાતીર્થ લાઈવ દર્શન સેવાનો જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને કથાકાર ડૉ.મહાદેવ પ્રસાદ મહેતાના શુભહસ્તે પ્રારંભ થયો હતો. શ્રીકૃષ્ણના અંતિમ લીલાસ્થાન ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરના ભાવિકો સુધી પહોંચાડશે.સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ માહિતી અને પ્રસારણ ક્ષેત્રે સોમનાથ ટ્રસ્ટની આગેકૂચ આ સેવારુપે થઇ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પ્રતિવર્ષ 80 કરોડથી વધુ ભાવિકો કરે છે. ત્યારે શ્રદ્ધાળુઓ જગતગુરુ શ્રીકૃષ્ણના ભાલકેશ્વર સ્વરૂપના લાઈવ દર્શન સમગ્ર જગતને કરાવવાના ઈશ્વરીય કાર્યનો પ્રારંભ આ સેવાને ગણાવવામાં આવી હતી.
ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે વિશ્વભરમાં ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકાશે શ્રીભાલકા લાઈવ દર્શન સેવાનો પ્રારંભ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સાથે શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે વિશ્વભરમાં ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકશે. ગીરસોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, પ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે શ્રીભાલકા લાઈવ દર્શન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશેષ અવસર પર શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ, અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો ભગવાન શ્રીકૃષ્ણનો ભાલકા તીર્થ સાથેનો સુવર્ણ ઈતિહાસ જાણો
ભાલકાતીર્થના લાઈવ દર્શન ભક્તોને ઘરે બેઠા : આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિ એક વાક્ય હંમેશા પુનરાવર્તિત કરે છે कृष्णम वंदे जगत गुरु। અર્થાત શ્રીકૃષ્ણ આખા વિશ્વના ગુરુ છે જેમને આપણે વંદન કરીએ છીએ. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણએ જ્યાં પોતાના જીવનકાળની અંતિમ લીલાના દર્શન કરાવ્યા એવા ભાલકાતીર્થના લાઈવ દર્શન ભક્તોને ઘરે બેઠા મળી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાલકાતીર્થ લાઈવ દર્શન સેવાનો પ્રારંભ કરાયો છે. આ સેવા અંતર્ગત સોમનાથ ટ્રસ્ટની ઑફિશ્યલ વેબસાઈટ somnath.org તેમજ સોમનાથ ટ્રસ્ટના facebook youtube સહિતના માધ્યમો પર ભાલકા તીર્થ ના લાઈવ દર્શન સવારના 6:30 કલાકથી રાત્રે 8:30 કલાક સુધી કરી શકશે.
ગીરસોમનાથ કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને કથાકાર ડૉ.મહાદેવ પ્રસાદ મહેતાએ શુભારંભ કરાવ્યો પ્રભાસભૂમિ શ્રીકૃષ્ણની સ્વધામગમન ભૂમિ : ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન અંદાજિત 80 કરોડ લોકો કરી રહ્યા છે. ત્યારે પ્રભાસભૂમિ શ્રીકૃષ્ણની સ્વધામગમન ભૂમિ છે. શ્રીકૃષ્ણનો મહિમા આ ભૂમિ પર અદભુત છે. સનાતન સંસ્કૃતિમાં સૃષ્ટિના પાલક ભગવાન પણ પોતાના કર્મોથી ઉપર નથી તે વાતનું ઉત્તમ ઉદાહરણ ભાલકાતીર્થ આ ક્ષેત્રમાં વસેલું છે.
આ પણ વાંચો ભગવાન શ્રી કૃષ્ણ અને સોમનાથ ભૂમિ વચ્ચે શું હતો ગાઢ સંબંધ જાણો અમારા વિશેષ અહેવાલમાં
ભાલકા તીર્થ શ્રીકૃષ્ણનું ન્યાય દર્શન : ભાલકા તીર્થ એ જ સ્થળ છે કે જ્યાં શ્રીકૃષ્ણ ચંદ્ર પરમાત્મા પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા અને તેમના પ્રકાશમાન ચરણને હરણ સમજીને જરા નામના પારધીએ બાણ ચલાવ્યું. બાણ શ્રીકૃષ્ણના ચરણમાં લાગેલું જોઈ તે શ્રીકૃષ્ણના ચરણમાં બેસી વિલાપ કરવા લાગ્યો ત્યારે કર્મનો સિદ્ધાંત દર્શાવતા શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે રામ અવતારમાં મેં વાલી સ્વરૂપે તારું વધ કર્યું હતું જેનું ફળ હું કૃષ્ણ અવતાર ની અંદર ભોગવી રહ્યો છું. આમાં તારું કશું દોષ નથી આ કર્મનો સિદ્ધાંત છે. આવી મહાન વિચારધારા માત્ર સનાતન સંસ્કૃતિની હોઈ શકે કે જ્યાં અખિલ બ્રહ્માંડના નાથ પણ પોતાના કર્મોથી ઉપર નથી. જો ભગવાન પણ પોતાના કર્મનું ફળ ભોગવે છે તે બાબત તમામ વ્યક્તિઓને સત્કર્મ કરવા માટે પ્રેરણા આપે છે.
હાઈ સ્પીડ ઇન્ટરનેટની મદદથી આખી સુચારુ વ્યવસ્થા તૈયાર :શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ પાસે શ્રી ભાલકાતીર્થ ખાતે ભાલકેશ્વર શ્રીકૃષ્ણના દર્શન લાઈવ બતાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો શ્રદ્ધાળુઓના અનુરોધને માન આપીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આધુનિક હાઇ ક્વોલિટી કેમેરા ગોઠવી હાઈ સ્પીડ ઇન્ટરનેટની મદદથી આખી સુચારુ વ્યવસ્થા તૈયાર કરી લાઈવ દર્શન સેવા પ્રારંભ કરવામાં આવી હતી. આમ હવે દેશ-વિદેશના કરોડો ભકતો સોમનાથ મહાદેવની સાથે શ્રીકૃષ્ણના ભાલકા મંદિરના ભાલકેશ્વર સ્વરૂપના લાઈવદર્શન ઓનલાઇન માધ્યમથી કરી શકશે અને સોમનાથ ટ્રસ્ટ વિશ્વ ગુરુ શ્રીકૃષ્ણના દર્શન સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવા માધ્યમ બનશે.