ગીર સોમનાથ: ધોધમાર વરસાદને લીધે જિલ્લાના તમામ નેશનલ તથા સ્ટેટ હાઇવે બદહાલ થયા છે. ત્યારે પવિત્ર યાત્રાધામ સોમનાથ, સાસણ અને દીવ-દમણના પ્રવાસે આવનારા યાત્રીઓ અહીંના બિસ્માર રસ્તાઓને લઇને તકલીફોનો સામનો કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ટુરિઝમને બિસ્માર રસ્તાઓ બરબાદ કરી રહ્યા છે.
ગીર સોમનાથના ટુરિઝમને બિસ્માર રસ્તાઓ કરી રહ્યા છે બરબાદ એક તરફ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખુશ્બુ ગુજરાત કી જેવા એડ કેમ્પેઇન બનાવડાવવામાં આવે છે તો બીજી તરફ ચોમાસામાં રસ્તાઓના ધોવાણને લઇને તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે.
પરંતુ ગીર સોમનાથ આવનાર યાત્રીઓ બગડેલા અને ઉબડખાબડ રસ્તાને લીધે માઠા અનુભવો લઇને જાય છે. અનેક ખાનગી વાહનો તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ અહીંના ખાડાવાળા રસ્તામાંથી પસાર થઇ નુકસાન પામે છે. ગીર સોમનાથમાંથી બે નેશનલ હાઈવે પસાર થાય છે જેમાં ભાવનગર સોમનાથ હાઈવે તેમજ જેતપુર સોમનાથ હાઇવેનો સમાવેશ થાય છે. તેમજ સોમનાથ થી સાસણને જોડતો સોમનાથ સાસણ હાઈવે એ પણ સ્ટેટ હાઈવે ગણાય છે. આ તમામ રસ્તા હાલ ખાડાખડિયા વાળા છે જેમાં પાણી ભરાતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે.
આ અંગે etv ભારતે જૂનાગઢ અને ગીર સોમનાથના સંયુક્ત સાંસદ રાજેશ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી અને આ રસ્તાઓ બાબતે તેમના દ્વારા થતા પ્રયત્નો વિશે પૂછતા તેમણે ગીર સોમનાથ જિલ્લામાં આવતા યાત્રિકો તેમજ સ્થાનિક લોકોની માફી માંગી હતી કે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં વિલંબ થયો હોવાથી લોકોએ પરેશાની વેઠવી પડી છે.
સાંસદ રાજેશ ચુડાસમાએ etv ભારતને જણાવ્યું હતું કે તેઓ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીની દિલ્હી ઓફિસ સુધી રજૂઆત કરવામાં આવી છે. વીડિયો પ્રુફ પણ આપવામાં આવ્યા છે અને છેલ્લા પંદર દિવસથી નેશનલ હાઇવે ઓથોરિટીનો સતત સંપર્ક કરી તેમણે વહેલી તકે રસ્તાઓ રિપેર કરવા આશ્વાસન આપ્યું હતું.
ગીર સોમનાથથી કૌશલ જોષીનો અહેવાલ