ગીર સોમનાથઃ વેરાવળ તાલુકાના રામપરા ગામે વૃદ્ધ દંપતિની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રામપરા ગામના વાડી વિસ્તારમાં ગત રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા કુહાડીના ઘા મારીને વૃદ્ધ દંપતી રામભાઇ ભાદરકા અને તેમના પત્ની લક્ષ્મીબેનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી અને જિલ્લાના પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ગીરસોમનાથમાં વૃદ્ધ દંપતિની કરપીણ હત્યા, ગામમાં શોકનો માહોલ - Gir Somnath Police
સમગ્ર રાજ્યમાં ગુનાખોરી વધી છે, ત્યારે ગીર સોમનાથના રામપરા ગામે વૃદ્ધ દંપતિની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરતા ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ઘાતક ડબલ મર્ડરનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
આ ડબલ મર્ડર બાબતે ગંભીરતે દાખવી સમગ્ર જિલ્લાના પોલીસ ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ઇન્ચાર્જ પોલીસ વડા અમિત વસાવા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે સોનાના દાગીના જે સ્થિતિમાં મળી આવતા લૂંટના ઇરાદે નહીં પરંતુ અન્ય કોઇ કારણે હત્યા થઇ હોવાનું પોલીસ તારણમાં સામે આવ્યું હતું. આ પેચિદા બે હત્યાના ગુનેગારને શોધવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. જેમાં ટેક્નોલોજીકલ પુરાવાઓ જેવા કે, મોબાઇલ લોકેશન્સ તેમજ FSL વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મૃતક પતિ-પત્ની ગીર સોમનાથના બીજ ગામના રહેવાસી છે. જેઓ 8 વર્ષ પહેલા રામપરા ગામે જમીન લઇ સ્થાયી થયા હતા, ત્યારે મધ્ય રાત્રીએ હત્યારા દ્વારા પ્રૌઢ દંપતી પર હુમલો કરાયો હતો અને બંને પતિ-પત્નીનું મોત થયું હતું. સામાન્ય રીતે શાંત ગણાતા વેરાવળ તાલુકામાં આવી કરપીણ હત્યાના બનાવથી ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો પોલીસને ગુનેગારને જલ્દી જ પકડવા અને કડક સજા ફટકારવા અપીલ કરી રહ્યા છે.